News of Wednesday, 25th November 2026
જુનાગઢ જિલ્લાના વકીલો માટે કવિક રિસ્પોન્સ સેલની રચના :
જિલ્લા સંયોજક તરીકે વિસાવદરના સિનિયર એડવોકેટ નયનભાઈ જોશી ની નિમણુંક

વિસાવદર: સુરત, અમદાવાદ, વડોદરા, બાદ હવે જૂનાગઢ જિલ્લા કોર્ટમાં વકીલાત કરતા વકીલ મિત્રોના રક્ષણ માટે QRT TEAM જૂનાગઢ ની રચના કરવામાં આવેલ છે જેમાં જુનાગઢ જિલ્લાના સંયોજક તરીકે વિસાવદરના જાણીતા એડવોકેટ અને નોટરી નયનભાઈ જોશીની વરણી કરવામાં આવેલ છે. એડવોકેટ પ્રોટેક્શન બિલ ન આવે ત્યાં સુધી વકીલો પોતાના રક્ષણ અને વકીલોના હિતમાં વકીલોના પ્રશ્નો સતત ઉકેલવા, સરકાર સાથે સંકળાયેલા વિવિધ વિભાગોમાં વકીલોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખાસ રચના કરવામાં આવેલ છે. જુનાગઢની સ્થાપના વકીલોની સુરક્ષા, સહાય અને વ્યાવસાયિક ગરિમા જળવાઈ રહે તે હેતુથી તૈયાર કરવામાં આવેલ છે.
એડવોકેટ્સ ક્વિક રિસ્પોન્સ ટીમ જુનાગઢ (QRT) - નિયમો (Norms)
૧. ઉદ્દેશ્ય (Objectives)
• જુનાગઢ જિલ્લા અને શહેરના અને તાલુકાના વકીલો જ્યારે કોઈ આકસ્મિક મુશ્કેલીમાં હોય ત્યારે તેમને તાત્કાલિક સહાય પૂરી પાડવી.
• વકીલો પર થતા હુમલા, પોલીસ પજવણી કે વ્યાવસાયિક કામગીરી દરમિયાન નડતા અવરોધો સામે એકજૂથ થઈ રક્ષણ આપવું.
• કોર્ટ પરિસરમાં અથવા બહાર વકીલોની સુરક્ષા સુનિશ્ચિત કરવી.
૨. સભ્યોની લાયકાત (Member’s Eligibility)
• આ ટીમમાં જોડાનાર સભ્ય સક્રિય એડવોકેટ સભ્ય હોવા જોઈએ.
• આ ટીમમા જોડાનાર સભ્યોએ કોઇપણ બનાવના સમયે ફરજીયાત હાજરી આપવાની રહેશે.
• આ એક સ્વૈચ્છિક સેવાભાવી ટીમ રહેશે, જેમાં સભ્યોએ નિઃસ્વાર્થ ભાવે કામ કરવાનું રહેશે.
૩. કટોકટીની પરિસ્થિતિઓ (Emergency Situations)
ટીમ નીચેના સંજોગોમાં કાર્યરત થશે:
• વકીલ પર કોઈ પણ પ્રકારનો શારીરિક હુમલો થાય ત્યારે.
• પોલીસ દ્વારા કોઈ વકીલની અટકાયત કે પજવણી કરવામાં આવે ત્યારે.
• અસીલ (Client) કે અન્ય પક્ષકારો દ્વારા વકીલને ધમકી આપવામાં આવે ત્યારે.
• કોર્ટ પરિસરમાં તબીબી કટોકટી (Medical Emergency) ના સમયે.
• કોર્ટ પરિસરમાં કે અન્ય કોઈપણ સ્થળે એડવોકેટના વાહન સાથે અકસ્માત કે ગંભીર વિવાદ થાય ત્યારે.
• કોઇપણ આવેદનપત્ર, ફરીયાદ કે સરકારી રજુઆતો કરવાની થાય ત્યારે.
૪. પ્રતિભાવ પદ્ધતિ (Response Protocol)
• QRT જુનાગઢ માટે એક સમર્પિત વોટ્સએપ ગ્રુપ અથવા હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે.
• અસરગ્રસ્ત વકીલે પોતાનું નામ, લોકેશન અને મુશ્કેલીનો પ્રકાર ટૂંકમાં જણાવવાનો રહેશે.
• મેસેજ મળ્યાની ૧૫ થી ૨૦ મિનિટમાં નજીકના વિસ્તારમાં રહેલા QRT જુનાગઢ નાં સભ્યોએ જે-તે સ્થળે પહોંચવાનું રહેશે.
• ટીમ લીડરે તાત્કાલિક ધોરણે બાર એસોસિએશનના હોદ્દેદારોને જાણ કરવાની રહેશે.
૫. ટીમની જવાબદારીઓ (Responsibilities of the Team)
• જરૂરના સમયે દરેક સભ્યોએ ફરજીયાત પણે હાજર રહેવાનું રહેશે.
• સ્થળ પર જઈને કાયદાકીય મર્યાદામાં રહીને પરિસ્થિતિને થાળે પાડવી.
• જો પોલીસ કેસ હોય, તો વકીલના હિતમાં કાયદેસરની રજૂઆત કરવી.
• અસરગ્રસ્ત વકીલને માનસિક અને નૈતિક ટેકો પૂરો પાડવો.
• ઘટનાનું પંચનામું કે વિડિયો રેકોર્ડિંગ (જરૂર જણાય તો) કરી પુરાવા એકત્ર કરવા.
૬. આચારસંહિતા અને મર્યાદાઓ (Code of Conduct)
• કોઈપણ સભ્ય કાયદો હાથમાં લેશે નહીં કે હિંસક વર્તન કરશે નહીં.
• વિરોધ પક્ષ કે પોલીસ સાથે દલીલ કરતી વખતે ભાષાની મર્યાદા અને વકીલાતના વ્યવસાયની ગરિમા જાળવવી.
• આ ટીમનો ઉપયોગ અંગત સ્વાર્થ કે રાજકીય પ્રચાર માટે કરી શકાશે નહીં.
• કેસની વિગતો કે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પહેલા અસરગ્રસ્ત વકીલની સંમતિ લેવી અનિવાર્ય છે.
૭. સંચાલન સમિતિ (Governing Committee)
• QRT જુનાગઢનું સંચાલન એક કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા થશે, જેમાં વરિષ્ઠ અને અનુભવી વકીલોનો સમાવેશ થશે.
• યોગ્ય સમયે ટીમની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવશે.તેમ વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીની એક યાદીમાં જણાવાયું છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
