News of Thursday, 1st October 2026
જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ પડી જતા રાજકોટ ખાતે હોસ્પિટલમાં દાખલ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧ : જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ તેમની વાડીએ પડી જતા ઈજા થતાં રાજકોટ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જસદણ વિધાનસભા બેઠક ઉપર વર્ષ ૨૦૧૨ થી વર્ષ ૨૦૧૭ સુધી પાંચ વર્ષ માટે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલ ચાર દિવસ પૂર્વે વિછીયા તાલુકાના બંધાળી ગામે તેમની વાડીએ ખેતી કામ કરી રહ્યા હતા તે દરમિયાન વાડીએ મકાનની સીડી ઉપર ચડતા ઉપરથી નીચે પડી ગયા હતા. તેમને મણકામાં ગંભીર ઈજાઓ થતા પ્રાથમિક સારવાર સ્થાનિક કક્ષાએ લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ ખાતે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આરોગ્ય મેડિકલ હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યા છે. મણકામાં ઈજાઓ થતા સ્ક્રુ નાખવામાં આવ્યો છે. તેમજ વાયર નાખવામાં આવ્યો છે અને તેમની સારવાર ચાલી રહી છે. એક બે દિવસમાં હોસ્પિટલેથી રજા આપવામાં આવશે. હોસ્પિટલેથી રજા આપ્યા બાદ ૨૧ દિવસ સંપૂર્ણ આરામ કરવાની તબીબોએ સલાહ આપી છે. ૫૧ વર્ષીય પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ પડી ગયાના સમાચાર પ્રસરતા જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલે તેમની ખબર અંતર પૂછવા પહોંચી ગયા હતા.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
