News of Saturday, 24th October 2026
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ના પ્રમુખને પૂર્વ નગરપાલિકા પ્રમુખના ભાઈએ ફોન પર બેફામ ગાળો ભાંડતા પોલીસ કાર્યવાહી
એસોસિએશન પ્રમુખ જેન્તીભાઈ રામોલિયાની લેખિત અરજીના આધારે સિટી પોલીસે મનીષ ઉર્ફે મિન્ટો સખરેલીયા સામે અટકાયતી પગલાં ભર્યા : જીપીસીબીએ કારખાનું સીલ કરતા વિવાદ

( કેતન ઓઝા દ્વારા)જેતપુર તા.23 : જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈએ મોબાઈલ ફોન પર બેફામ ગાળો કાઢતા એસો.ના પ્રમુખની લેખિત અરજીના આધારે સીટી પોલીસે પૂર્વ પ્રમુખના ભાઈ સામે અટકાયતી પગલાં ભર્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનમાં ઘણા સમયથી કારખાનેદારો વચ્ચે સત્તા માટે લડાઈ ચાલી રહી છે. જેમાં હિસાબો બાબતે આક્ષેપ પ્રતિઆક્ષેપો બાદ જે કારખાનેદાર હિસાબ બાબતે આક્ષેપો કરતો હતો તેને ભેદી રીતે સમજાવવામાં ડાઈંગ એસો.ના વર્તમાન પ્રમુખ સફળ રહેતા આખી કારોબારી બિનહરીફ થઈ હતી. અને એસોસિએશનના પ્રમુખપદે ત્રીજીવાર જેન્તીભાઈ રામોલિયા ચૂંટાઈ આવ્યા હતા.
પરંતુ થોડા સમય બાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલીયાના સાડીના કારખાનામાં નગરપાલિકાના પૂર્વ સદસ્ય શારદાબેન વેગડા દ્વારા ગેરકાયદેસર સાડીનું કારખાનું ચલાવી હવા તેમજ પાણી પ્રદૂષણ ફેલાવતા હોવાની જીપીસીબીમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા પૂર્વ પ્રમુખના સાડીના કારખાનાને ક્લોઝર આપી દેવાયું હતું.
આ ક્લોઝર ઉઠાવવા બાબતે પૂર્વ પ્રમુખને ડાઈંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી. જેથી પૂર્વ પ્રમુખના ભાઈ મનીષ ઉર્ફે મિન્ટો સખરેલીયાએ બે દિવસ પૂર્વે રાતના સમયે મોબાઈલ પર કોલ કરી બેફામ ગાળો ભાંડી હતી. જેથી સીટી પોલીસ સ્ટેશનમાં મનીષ ઉર્ફે મિન્ટો વિરુદ્ધ અરજી કરતા સીટી પોલીસે મનીષના અટકાયતી પગલાં લીધા હતા.
આ અંગે ડાઈંગ એસોસિએશનના પ્રમુખ જેન્તીભાઈને પૂછતાં તેઓએ જણાવેલ કે, પૂર્વ પ્રમુખ સુરેશભાઈએ પણ તેમને કોલ કરેલ પરંતુ તેઓએ ગાળો આપી ન હતી પરંતુ મનીષે કોઈ વાંક વગર કઈ પણ સાંભળ્યા વગર સીધો બેફામ ગાળો જ આપવા લાગતા તેના વિરુદ્ધ અરજી કરી હતી.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
