<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

કચ્‍છમાં ઈંધણની બૂમરાણઃ પેટ્રોલ પંપો પર લાંબી કતારો.

પૂરતા ઈંધણ માટે કચ્‍છના વ્‍યાપારી, ઔદ્યોગિક, ટ્રાન્‍સપોર્ટ, ખેડૂત સહિતના વિવિધ સંગઠનોની રજૂઆતઃ દૈનિક વ્‍યાપાર, આયાત, નિકાસ, બંદરીય વ્‍યાપારને અસર, સરકાર અને તંત્રનો દાવો પૂરતો પુરવઠો છે, અફવાઓથી દૂર રહો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ :.. કચ્‍છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે. રાજ્‍યના સૌથી મોટા ટ્રાન્‍સપોર્ટ અને લોજિસ્‍ટિક્‍સ હબ ગણાતા કચ્‍છ જિલ્લામાં ઇંધણના અપૂરતા પુરવઠાની વાહનવ્‍યવહાર પર ગંભીર અસર પડી છે. અમેરિકા અને ઇરાન વચ્‍ચે ચાલી રહેલી તંગદિલી અને યુદ્ધની પરિસ્‍થિતિને પગલે ઇંધણની તંગી વધુ વિકટ બની હોવાનું સામે આવ્‍યું છે.

મળતી માહિતી મુજબ, કચ્‍છ જિલ્લાની રોજિંદી જરૂરિયાત અંદાજે ૪૦ લાખ લીટર ડીઝલની છે. જેની સામે પુરવઠો અપૂરતો આવી રહ્યો છે. આ કારણે નલિયા, મુન્‍દ્રા, ગાંધીધામ, કંડલા, ભચાઉ અને ભુજ સહિતના હાઈવે પર આવેલા મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

ડીઝલ ન મળવાના કારણે કચ્‍છના આર્થિક કરોડરજ્જુ સમાન લોજિસ્‍ટિક્‍સ ઉદ્યોગને મોટો ફટકો પડ્‍યો છે. ડીઝલની અછતને લીધે ગાંધીધામ અને કંડલા પોર્ટ, મુન્‍દ્રા પોર્ટના વ્‍યાપારને અસર પહોંચી છે.

સ્‍થિતિની ગંભીરતાને જોતાં ગાંધીધામ ચેમ્‍બર ઓફ કોમર્સ ખાતે ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનોની એક મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ટ્રાન્‍સપોર્ટરોએ તંત્રને અલ્‍ટીમેટમ આપતાં જણાવ્‍યું છે કે, જો આગામી ૩૧ મે સુધીમાં ડીઝલની તંગી દૂર કરવામાં નહીં આવે, તો ૧ જૂન ૨૦૨૬થી કચ્‍છભરમાં ટ્રાન્‍સપોર્ટેશન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ટ્રાન્‍સપોર્ટરોએ સ્‍પષ્ટ સૂત્ર આપ્‍યું છે કે, જ્‍યાં સુધી ડીઝલ નથી, ત્‍યાં સુધી ટ્રાન્‍સપોર્ટેશન નથી.

કચ્‍છના મોટા ઔદ્યોગિક સંગઠન ફોકિયા દ્વારા પણ ઈંધણ અંગે મુખ્‍યમંત્રીને પત્ર લખી વ્‍યવસ્‍થા ગોઠવવા અનુરોધ કરાયો છે.

બીજી તરફ, ખેતીકામ માટે ડીઝલ ન મળતાં પરેશાન થયેલા સ્‍થાનિક ખેડૂતોએ પેટ્રોલ પંપ પર જ બેસણું યોજીને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પરિસ્‍થિતિને કાબૂમાં લેવા માટે કચ્‍છ જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્‍યું છે. તંત્ર દ્વારા જિલ્લાના પેટ્રોલ પંપો ઉપર નજર રાખવામાં આવી રહી છે. અફવાઓથી બચવા સરકાર અને સ્‍થાનિકે કલેક્‍ટર દ્વારા અપીલ કરાઈ છે.

આ સંકટ વચ્‍ચે સરકાર અને વહીવટી તંત્રનો દાવો છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની વાસ્‍તવિક અછત નથી. માત્ર અફવાઓ અને ગભરાટને કારણે લોકો જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરી રહ્યા છે, જેના લીધે સ્‍થાનિક સ્‍તરે મુશ્‍કેલી ઊભી થઈ છે. નાગરિકોને ઇંધણનો કરકસર સાથે વપરાશ કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. 

(11:19 AM IST)