<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ટંકારાના માછલિયા તળાવમાં મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ફેલાયો ભય : વન વિભાગને કરાઈ જાણ

નગરપાલિકાના રોડના કામ દરમિયાન કુદરતી હાજતે ગયેલા મજૂરને પડ્યો મગરનો ભેટો : આગેવાનો અને વન વિભાગ દ્વારા સ્થળની કરાઈ તપાસ

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા: ટંકારાના માછલિયા તળાવ વિસ્તારમાં એક મહાકાય મગર નજરે પડતા સ્થાનિક સ્તરે ભારે દોડધામ મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા નગરપાલિકા દ્વારા કલ્યાણપર રોડ પર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામમાં રોકાયેલા એક શ્રમિક મજૂર કુદરતી હાજતે ગયા બાદ તળાવ પાસે હાથપાણી ધોવા ગયા ત્યારે અચાનક તેમની નજર મહાકાય મગર પર પડી હતી. અચાનક મગરને સામે જોઈને મજૂર ગભરાઈ ગયો હતો અને તેણે તાત્કાલિક આ અંગે આસપાસના લોકોને જાણ કરી હતી.

આ બનાવની જાણ થતાં જ ટંકારાના સામાજિક અગ્રણીઓ જાવિદ ધાચી, ઈરફાન ડાડા, ટંકારા નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ તેમજ કારોબારી ચેરમેન રશ્મિકાંત દુબરીયા સહિતના આગેવાનો તાત્કાલિક કલ્યાણપર રોડ પર આવેલા તળાવના સ્થળે દોડી આવ્યા હતા. આગેવાનો દ્વારા ઘટનાસ્થળે પહોંચીને મગર દેખાયો તે જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારમાં બાંધકામ અને અન્ય કામગીરી સાથે સંકળાયેલા માઈગ્રન્ટ મજૂરોએ પણ તળાવમાં મગર જોયો હોવાની પુષ્ટિ કરી હતી.

વસ્તીવાળા વિસ્તારની નજીક આવેલા આ તળાવમાં મગર દેખાવાની ઘટનાને પગલે લોકોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આ અંગે સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા માછલિયા તળાવના આ વિસ્તાર પર નજર રાખીને મગરને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

(7:31 PM IST)