<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

ગિરનારની યાત્રા અચોક્કસ મુદત માટે બંધ કરાતાં ઉપલા દાતારની જગ્યા ખાતે ઉમટ્યો ભાવિકોનો અભૂતપૂર્વ ઘસારો : રવિવારની રજામાં ઉભી થઈ ભારે ભીડ

સિંહના હુમલા બાદ તંત્રના પ્રતિબંધને પગલે યાત્રિકોનો પ્રવાહ દાતાર તરફ વળ્યો : મહંત ભીમ બાપુ દ્વારા અન્નક્ષેત્ર અને મહાપ્રસાદ સહિત તમામ સુવિધાઓનું કરાયું સુંદર આયોજન

વીનું જોશી દ્વારા, જુનાગઢ: જુનાગઢમાં ગિરનાર પર્વત પર બનેલી સિંહના હુમલાની ગંભીર ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે ગિરનાર યાત્રા પર અચોક્કસ મુદત માટેનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તંત્રના આ અચાનક નિર્ણયને પગલે ગિરનારની યાત્રાએ આવેલા હજારો શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ આજે રવિવારની રજા હોવાથી ભાવિકોનો આ અવિરત પ્રવાહ જુનાગઢની અન્ય પવિત્ર ગણાતી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે જઈ ચડ્યો હતો. જેને કારણે વહેલી સવારથી જ દાતારની જગ્યા પર યાત્રિકોની ભારે ભીડ જોવા મળી હતી.

 

મહંત ભીમ બાપુના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાઓ સજ્જ કરાઈ:

ગિરનાર પર પ્રતિબંધના કારણે ઉપલા દાતારની જગ્યા ખાતે યાત્રિકોનો અણધાર્યો ઘસારો એકાએક વધી ગયો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઉપલા દાતારની જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. જગ્યા ખાતે વર્ષોથી ચાલી રહેલા અવિરત અન્નક્ષેત્રમાં ભોજન સામગ્રી અને સ્ટાફની ક્ષમતા વધારી દેવામાં આવી હતી, જેથી બહારથી આવેલા કોઈપણ ભાવિકને મુશ્કેલી ન પડે. મહંતના નેતૃત્વમાં શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા તેમજ અન્ય તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવી હતી.

 

દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લહાવો લેતા હજારો શ્રદ્ધાળુઓ:

આજ વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ડુંગર ચડીને ઉપલા દાતારની જગ્યા ખાતે પહોંચ્યા હતા. અહીં પધારેલા તમામ ભાવિકોએ દાતાર બાપુના પવિત્ર અને દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શન કર્યા બાદ ભંડારાના હોલમાં તમામ યાત્રિકો માટે મહાપ્રસાદનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં હજારો લોકોએ શાંતિપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ગિરનાર યાત્રા બંધ હોવા છતાં, દાતાર ભૂમિ ખાતે ઉમટેલા શ્રદ્ધાળુઓના પ્રવાહ, દર્શનની લાઈનો અને ભંડારામાં પ્રસાદ લઈ રહેલા ભક્તોના દ્રશ્યોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

(3:44 PM IST)