News of Thursday, 30th July 2026
ગિરનારની નવી સીડી પર રાત્રે 3 વાગ્યે 3 સિંહોની એન્ટ્રી : વન વિભાગની સતર્કતાથી સુરક્ષિત રીતે જંગલ તરફ રવાના
ભવનાથ અને સાસણની ટ્રેકર ટીમે કરી સતત દેખરેખ : યાત્રાળુઓની સલામતી જાળવાઈ : વન વિભાગની 5 મહત્વની અપીલનુ પાલન કરવા સુચના

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૩૦ : ગિરનાર યાત્રા દરમિયાન ગઈકાલે રાત્રે રોમાંચક ઘટના બની. આશરે રાત્રે 3:00 વાગ્યે ગિરનાર નવી સીડીના આશરે 50મા પગથિયા નજીક 3 નર સિંહો જોવા મળ્યા હતા.
સિંહોની હાજરીની જાણ થતાં જ ભવનાથ રાઉન્ડના વનકર્મીઓ અને સાસણની ટ્રેકર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ટીમે સિંહોની પાછળ રહીને તેમની હિલચાલ પર સતત નજર રાખી. સમગ્ર ઓપરેશન દરમિયાન સિંહોને કોઈ હેરાનગતિ ન થાય અને યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જૂનાગઢ વન વિભાગની સતર્કતા અને સતત દેખરેખના કારણે ત્રણેય નર સિંહોને સુરક્ષિત રીતે ગિરનારની સીડીનો વિસ્તાર પાર કરાવી જંગલ તરફ આગળ રવાના કરવામાં આવ્યા. સમગ્ર કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના બની ન હતી.
યાત્રાળુઓ માટે જૂનાગઢ વન વિભાગે અપીલમા જણાવ્યું છે કે,વન્યપ્રાણી દેખાય તો ગભરાવું નહીં અને તેમને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે ઉશ્કેરણી ન કરવી. સિંહ કે અન્ય વન્યપ્રાણી દેખાય તો તરત જ નજીકના વનકર્મી અથવા ટ્રેકર ટીમને જાણ કરવી અને તેમની સૂચનાનું પાલન કરવું. વહેલી સવારે અને મોડી રાત્રે શક્ય હોય ત્યાં સુધી જૂથમાં જ યાત્રા કરવી. ગિરનારની સીડી પર ખાદ્યપદાર્થો કે પ્રસાદ ન ફેંકવા. તેનાથી શાકાહારી પ્રાણીઓ આકર્ષાય છે અને તેના કારણે માંસાહારી વન્યપ્રાણીઓ પણ તે વિસ્તારમાં આવી શકે છે.
વન વિભાગની સૂચનાઓનું પાલન કરીને વન્યજીવોના સંરક્ષણ અને યાત્રાળુઓની સુરક્ષામાં સહભાગી બનવું.
વન વિભાગની સમયસરની કામગીરીના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ ટળ્યો. વન તંત્રએ યાત્રાળુઓને સાવધાની રાખવા અને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
