News of Saturday, 11th July 2026
કચ્છની ૩૦૦ વર્ષ જૂની વિરાસતનું વૈશ્વિક સન્માન: લુપ્ત થતી 'રોગાન કળા'ના એકમાત્ર હિન્દુ કારીગર આશિષ કંસારાને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે મળી ‘ડૉક્ટરેટ’ની માનદ પદવી!
પર્શિયાથી શરૂ થયેલી અદભુત ચિત્રકળાને હવામાં તાર ખેંચી કાપડ પર કંડારતા માધાપરના સોની પરિવારે જીવંત રાખી; ઓબામાને ગિફ્ટ આપવા છતાં સ્થાનિક સ્તરે હજુ પણ બજાર અને સરકારી પ્રોત્સાહન માટે સંઘર્ષ

ભુજ : છેક પર્શિયા (આજનું ઈરાન) અને તેની આસપાસના દેશોમાંથી આશરે ૩૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલી અને ભારતનો સમૃદ્ધ વારસો બનેલી 'રોગાન કળા' (Rogan Art) માટે કચ્છ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં એક વિશિષ્ટ અને અનોખી ઓળખ ધરાવે છે. જો કે, સમયના બદલાતા પ્રવાહ, આધુનિક ટેકનોલોજી અને આર્થિક પડકારોને કારણે આ અદભુત, પ્રાચીન હસ્તકળા હવે લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે સદીઓથી મુસ્લિમ કારીગરોનું આધિપત્ય ધરાવતી આ અટપટી અને બારીક ચિત્રકળાના સંવર્ધનમાં એક વિશિષ્ટ આશ્ચર્ય એ છે કે, સમગ્ર વિશ્વમાં અત્યારે માત્ર એક જ હિન્દુ પરિવાર આ કળાની માવજત કરી રહ્યો છે. ભુજ નજીકના માધાપર ગામે રહેતો સોની પરિવાર આજે પણ પરંપરાગત રીતે રોગાન કળાના સહારે પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે અને વારસાને સાચવી રહ્યો છે.
કોણ છે આશિષ કંસારા અને શું છે તેમની ઐતિહાસિક સિદ્ધિ?
કચ્છના ભુજ તાલુકાના માધાપરના વતની અને આ પ્રાચીન કળાના સત્તાવાર જી.આઈ. ટેગ (GI-718) અધિકૃત વપરાશકર્તા એવા આશિષ શાંતિલાલ કંસારા લાંબા સમયથી રોગન આર્ટના સંરક્ષણ અને સંવર્ધન માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. તેમની આ અનન્ય અને નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવતા, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે લખનઊની પ્રતિષ્ઠિત ‘ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી’ (AKTU) ના ૨૪મા પદવીદાન સમારોહમાં તેમને માનદ ડૉક્ટરેટ (D.Litt.) ની સર્વોચ્ચ પદવી એનાયત કરવામાં આવી છે. ભારતીય પ્રાચીન હસ્તકળા અને તેના અસલ દેશી કારીગરોને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવતી આ એક ખૂબ જ મોટી અને ઐતિહાસિક સિદ્ધિ છે.
ડૉ. આશિષ કંસારાએ આ લુપ્ત થતી કળાને માત્ર પોતાના સુધી મર્યાદિત નથી રાખી, પરંતુ તેને જીવંત રાખવાની સાથે-સાથે સ્થાનિક ગ્રામીણ મહિલાઓને તેની સઘન તાલીમ આપીને રોજગારી પૂરી પાડી છે. કળાના માધ્યમથી મહિલાઓને આત્મનિર્ભર બનાવીને તેમણે સમાજના ઉત્થાનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.
રબારી-ભરવાડ સમાજની કન્યાઓ માટે લગ્નનો વિશેષ શણગાર હતી રોગાન કળા
ઇતિહાસ પર નજર કરીએ તો, રોગાન કળા પર્શિયાથી પેશાવર અને સિંધ થઈને કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ગામ સુધી પહોંચી હતી. ત્યારબાદ તેનો વ્યાપ છેક અમદાવાદ અને ઉત્તર ગુજરાત સુધી વિસ્તર્યો હતો. એક જમાનામાં રોગાન કળાની મદદથી તૈયાર કરાયેલાં ભવ્ય ચણિયા-ચોળી અરેબિયાના દેશો ઉપરાંત સમગ્ર ગુજરાતમાં લગ્ન પ્રસંગે દુલ્હન માટેનો વિશેષ શણગાર બનતાં હતાં. ખાસ કરીને ગુજરાતના ભરવાડ અને રબારી સમાજમાં રોગાન કળાની છાપવાળા વસ્ત્રોનું સામાજિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ મહત્વ હતું.
પૂર્વે ડીસા, પાલનપુર, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાભરની બજારોમાં રોગાન કળાના કાચા માલ-સામાનની ખાસ દુકાનો ધમધમતી હતી, જેમાંથી મોટાભાગની દુકાનો હવે ઈતિહાસના પાનાઓમાં દટાઈ ગઈ છે. હાલમાં માત્ર અમદાવાદ, વિરમગામ અને મહેસાણા ખાતે જ તેનો કાચો માલ જેમ કે જુદા જુદા રંગના પથ્થરો, એરંડિયાનું તેલ, માટીના કલર અને સુતરાઉ કાપડ માંડ-માંડ મળી રહે છે. આ કળાથી તૈયાર થયેલાં વસ્ત્રો કોઈ આધુનિક મોલ કે મોટી દુકાનોમાં વેચાતા નથી, પરંતુ કળાના રસિકોએ સીધો કારીગરોનો સંપર્ક કરીને ઓર્ડર મુજબ જ સ્પેશિયલ તૈયાર કરાવવા પડે છે.
શું છે આ કળાની જટિલ પ્રક્રિયા અને ખાસિયત?
· ટેકનિક: અગાઉના સમયમાં લાકડાના બ્લોકથી કાપડ પર ડિઝાઇન પડાતી હતી, પરંતુ હવે કુશળ કારીગરો કાપડને અડક્યા વિના માત્ર એક તીક્ષ્ણ લોખંડની સળી કે પીંછીનો ઉપયોગ કરી હવામાં જ રંગના તાર ખેંચીને સુતરાઉ કાપડ પર આબેહૂબ ભાત પાડે છે.
· રંગો: રોગાન કળામાં મુખ્યત્વે પીળો, કેસરી, લીલો, બ્લુ અને સફેદ જેવા કેમિકલ મુક્ત પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ થાય છે.
· બનાવટ: એરંડિયાના તેલને સતત ૬ થી ૭ કલાક સુધી ઉકાળીને એકદમ ઘટ્ટ ગુંદર જેવું બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં ચોક પાઉડર અને માટીના કુદરતી રંગો ઉમેરી, પાણીની મદદથી ઠારીને રંગીન પેસ્ટ (રોગાન) તૈયાર કરાય છે.
વૈશ્વિક કીર્તિ છતાં સ્થાનિક સ્તરે અસ્તિત્વનો સંઘર્ષ
રોગાન કળાનું વૈશ્વિક મહત્વ એ બાબત પરથી સમજી શકાય છે કે, આશરે એક દાયકા પહેલાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને ભારત વતી કચ્છના નિરોણા ગામના ખ્યાતનામ કલાકાર ગફૂરભાઈ ખત્રી દ્વારા નિર્મિત રોગાન કળાનું સુંદર ‘ટ્રી ઓફ લાઈફ’ વોલપીસ ભેટમાં આપ્યું હતું. આજે પણ જર્મની, અમેરિકા અને ફ્રાન્સ જેવા વિકસિત દેશોના હજારો પર્યટકો જ્યારે પણ ગુજરાત કે કચ્છ પ્રવાસે આવે છે ત્યારે આ કળાના મુખ્ય મથક ગણાતા નિરોણા અને માધાપરની અચૂક મુલાકાત લઈ વિવિધ અદભુત નમૂનાઓ મોંઘા દામે ખરીદે છે.
આમ છતાં, આજના આધુનિક યુગમાં આ અત્યંત મોંઘી અને અગાધ મહેનત માંગી લેતી પ્રાચીન કળાના સહારે માત્ર જીવન નિર્વાહ ચલાવવો સ્થાનિક કારીગરો માટે કપરા ચઢાણ સમાન બની રહ્યો છે. ડૉ. આશિષ કંસારાના જણાવ્યા મુજબ, સરકાર તરફથી કોઈ મોટું કાયમી આર્થિક પ્રોત્સાહન કે સુનિશ્ચિત બજાર વ્યવસ્થા મળતી નથી. આ કળાને આવનારી પેઢી માટે જીવંત રાખવા તેઓ શાળાઓ અને કોલેજોમાં તેની લાઈવ પ્રદર્શનો યોજે છે અને શીખવામાં રસ ધરાવતા લોકોને તદ્દન નિઃશુલ્ક (ફ્રી) તાલીમ આપી રહ્યા છે. લુપ્ત થઈ રહેલા આ અમૂલ્ય ભારતીય વારસાને કાયમી મરણતોલ ફટકામાંથી બચાવવા માટે હવે સરકાર અને રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓએ સંગઠિત થઈને નક્કર બજાર આપવા આગળ આવવું અનિવાર્ય બન્યું છે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
