News of Monday, 13th July 2026
મોરબીના જેતપર ખેડૂત આંદોલનની વચ્ચે સરકારી વિભાગો એક્શનમાં : મંત્રીના ભાઈ બાદ હવે આંદોલનકારી વૈભવ અમૃતિયાના કારખાના પર સરકારી ટીમો ત્રાટકી
મંગળવારે કલેકટરને આવેદનપત્ર આપવાની પદયાત્રા પૂર્વે જ ખાણ ખનીજ અને મહિલા-બાળ વિકાસ વિભાગ દ્વારા બહાદુરગઢ પાટિયા પાસે આવેલી ફેરોલી જીપ્સિત એલએલપી ફેકટરીમાં તપાસનો ધમધમાટ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે વહીવટી તંત્ર અને સરકારી વિભાગો દ્વારા આક્રમક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેતપર ખેડૂત આંદોલન સમિતિના સક્રિય સભ્ય વૈભવ અમૃતિયાના કારખાનામાં સરકારી ટીમો દ્વારા અચાનક દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મોરબીના બહાદુરગઢ ગામના પાટિયા પાસે આવેલ 'ફેરોલી જીપ્સિત એલએલપી' (Feroli Gypsit LLP) નામના કારખાનામાં ખાણ ખનીજ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની સંયુક્ત ટીમો તપાસ અર્થે પહોંચી ગઈ છે અને હાલમાં કારખાનાના દસ્તાવેજો સહિતની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.
જેતપર આંદોલનના પાર્ટ ૩ ના સત્યાગ્રહ કાર્યક્રમ પૂર્વે તંત્રની એક્શન:
મોરબીના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન પાર્ટ ૨ પૂર્ણ થઈ ગયું છે અને હવે આંદોલન પાર્ટ ૩ અંતર્ગત સત્યાગ્રહના મંડાણ કરવામાં આવ્યા છે. આ આંદોલનકારીઓ દ્વારા આગામી મંગળવારે વિશાળ પદયાત્રા યોજીને જિલ્લા કલેકટરને સત્તાવાર આવેદનપત્ર આપવાનો મહત્વનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આ મોટા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ પૂર્વે જ આંદોલન સમિતિ સાથે જોડાયેલા અગ્રણીઓના વ્યાપારી એકમો પર સરકારી વિભાગોની સામૂહિક તપાસ શરૂ થતાં સમગ્ર પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
રવિવારે મંત્રી કાંતિલાલભાઈના ભાઈ રાકેશભાઈના સ્ટોન ક્રશરમાં થઈ હતી તપાસ:
સરકારી વિભાગોની આ કડક તપાસનો ક્રમ છેલ્લા બે દિવસથી સતત ચાલી રહ્યો છે. આ પૂર્વે રવિવારે જ મંત્રી કાંતિલાલભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર ખાતે પણ ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલ (PGVCL) ની ટીમો દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડીને મોટી તપાસ કરવામાં આવી હતી. મંત્રીના ભાઈના એકમ પર રવિવારે થયેલી આ તપાસના ચોવીસ કલાકની અંદર જ, એટલે કે આજે સોમવારે આંદોલન સાથે સીધા સંકળાયેલા વૈભવ અમૃતિયાના જીપ્સમ કારખાનામાં તંત્ર દ્વારા તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.
વહીવટી તંત્રની કાર્યવાહી પર ઉઠતા સવાલો:
એકતરફ ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આંદોલન ઉગ્ર બની રહ્યું છે, ત્યારે બીજી તરફ આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિઓ અને તેમના સગા-સંબંધીઓના કારખાનાઓમાં જે રીતે એકપછી એક સરકારી ટીમો ઉતારવામાં આવી રહી છે, તેને લઈને સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ જાગી છે. આ સમગ્ર ઘટનાક્રમ ક્યાંક ને ક્યાંક રાજકીય રાગદ્વેષથી પ્રેરાઈને કરવામાં આવતી કિન્નાખોરીની કાર્યવાહી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે, અથવા તો આંદોલનકારીઓના એકમો પર તપાસનો આ ક્રમ માત્ર એક સરકારી જોગાનુજોગ છે તે અંગે લોકોમાં તર્કવિતર્કો થઈ રહ્યા છે. તંત્ર દ્વારા હાલમાં ફેક્ટરીના કાયદાકીય નિયમોના પાલન અંગે તપાસ ચાલુ રાખવામાં આવી છે.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
