News of Saturday, 7th November 2026
સરકાર દ્વારા પાઇપલાઇન ગેસ ફરજિયાત કરવા તરફ પગલું? જામનગરમાં ગ્રાહકોના ગેસ સિલિન્ડરનાં જોડાણો ટપોટપ રદ થતાં રોષ
પાઇપલાઇનની સુવિધા ન હોવા છતાં ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ કરાતાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયાઃ પાઇપલાઇન માટે મહિનાઓનું વેઇટિંગ અને બુકિંગમાં પણ માત્ર વોટ્સએપનો વિકલ્પ!

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગરઃ તા. ૭, જામનગરમાં ગેસ સિલિન્ડરના ગ્રાહકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા પાઇપલાઇન મારફતે ગેસનો ઉપયોગ વધારવાની દિશામાં લેવાઈ રહેલા પગલાં વચ્ચે હવે એવા ગ્રાહકોનાં પણ ગેસ સિલિન્ડરનાં જોડાણો રદ કરવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો ઊઠી છે, જેમના મકાનમાં હજુ સુધી ગેસની પાઇપલાઇનની સુવિધા ઉપલબ્ધ જ નથી. પરિણામે અનેક પરિવારો ગેસની સુવિધા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ગેસ સિલિન્ડરને લઈને ગ્રાહકોની મુશ્કેલીઓ વધી રહી છે. જે ગ્રાહકોના ઘરમાં ગેસની પાઇપલાઇનનું જોડાણ નથી, તેમના સિલિન્ડરનું જોડાણ પણ કંપની દ્વારા રદ કરવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ગ્રાહકના પાડોશમાં પાઇપલાઇન ઉપલબ્ધ હોય તો તે ગ્રાહકને પણ પાઇપલાઇન ગેસ મેળવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે.
પરંતુ દરેક મકાનની બનાવટ એકસરખી હોતી નથી. અનેક મકાનોમાં બેડરૂમ બાદ પાછળના ભાગમાં રસોડું બનાવવામાં આવ્યું હોય છે. આવા સંજોગોમાં મકાનની આંતરિક રચનાને કારણે પાઇપલાઇનનું જોડાણ કરાવવું વ્યવહારિક રીતે મુશ્કેલ બને છે. બીજી તરફ, શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પાઇપલાઇન નાખવાની કામગીરી પણ શરૂ થઈ નથી.
સૌથી ગંભીર બાબત એ છે કે પાઇપલાઇન ગેસ માટે અરજી કરવામાં આવે તો લાંબી વેઇટિંગ લિસ્ટના કારણે બે-ચાર મહિના સુધી જોડાણ મળતું નથી. એક તરફ પાઇપલાઇનનું જોડાણ મળતું નથી અને બીજી તરફ તે પહેલાં જ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ કરી દેવામાં આવતો હોવાની ફરિયાદો છે. આવી સ્થિતિમાં પરિવારો રસોઈ માટે ગેસની સુવિધા મેળવવા મુશ્કેલીમાં મુકાય છે.
આ ઉપરાંત ગેસ સિલિન્ડરના બુકિંગની વ્યવસ્થા પણ માત્ર વોટ્સએપ આધારિત બની ગઈ હોવાની ગ્રાહકોની ફરિયાદ છે. રૂબરૂ બુકિંગ કે અન્ય કોઈ સરળ વિકલ્પ ઉપલબ્ધ ન હોવાથી ખાસ કરીને વોટ્સએપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી અનુભવતા ગ્રાહકોને પણ હાલાકી ભોગવવી પડે છે.
ગ્રાહકોની માંગ શું છે?
ગ્રાહકોની માંગ છે કે જ્યાં સુધી દરેક મકાનમાં પાઇપલાઇન ગેસનું જોડાણ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાલના ગેસ સિલિન્ડરનાં જોડાણો રદ કરવામાં ન આવે. પાઇપલાઇનનું જોડાણ મળ્યા બાદ જ સિલિન્ડરનો વિકલ્પ બંધ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ ગેસ બુકિંગ માટે વોટ્સએપ ઉપરાંત રૂબરૂ અને અન્ય સરળ વિકલ્પો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.
સરકાર અને સંબંધિત ગેસ કંપનીઓ ગ્રાહકોની વાસ્તવિક મુશ્કેલીઓ સમજીને યોગ્ય નિર્ણય લે અને પાઇપલાઇનની સુવિધા ઉપલબ્ધ થાય ત્યાં સુધી ગેસ સિલિન્ડરનો પુરવઠો ચાલુ રાખે તેવી લોકમાંગ ઊઠી રહી છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
