News of Monday, 13th July 2026
ધ્રોલના લતીપર ગામે અનુસૂચિત જાતિ પરિવારના આંગણે ભોજન લઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડયું
પ્રોટોકોલ બાજુ પર મૂકી રાજ્યપાલ સાદગીભર્યા અંદાજમાં સુરેશભાઈ વાઘેલાના ઘરે જમીન પર બેસી ભોજન લીધું: સહજતા અને સરળતા જોઈ લતીપરના ગ્રામજનો અભિભૂત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ-જામનગર, તા.૧૩: જામનગર જિલ્લાના ધ્રોલના લતીપર ગામની મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વહીવટી શિષ્ટાચારથી પર જઈને માનવીય સંબંધો અને સામાજિક એકતાની સુવાસ ફેલાવી હતી.
ઉચ્ચ બંધારણીય પદની ગરિમાની સાથે પોતાની આગવી સરળતા માટે જાણીતા રાજ્યપાલશ્રી લતીપર ગામના રહીશ શ્રી સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને પધાર્યા હતા. કોઈ પણ પ્રકારના વી.આઈ.પી. પ્રોટોકોલ વગર, તેઓ પરિવારના એક વડીલ સભ્યની જેમ જમીન પર પલાંઠી વાળીને બેઠા હતા. ભોજન દરમિયાન તેમણે પરિવારના સભ્યો સાથે અત્યંત સહજતાથી સંવાદ સાધ્યો હતો, તેમના સુખ-દુઃખ અને ખબર-અંતર પૂછીને આત્મીયતાનો અહેસાસ કરાવ્યો હતો.
રાજ્યપાલશ્રીના આ આતિથ્ય અને સાદગીપૂર્ણ અભિગમથી ગદગદ થયેલા સુરેશભાઈ વાઘેલાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે કયારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે રાજ્યના પ્રથમ નાગરિક અમારા જેવા સામાન્ય પરિવારના આંગણે પધારશે. તેમણે અત્યંત વહાલ અને પ્રેમથી અમારા ઘરે બનેલું ગલકા અને દાળનું શાક, રોટલી અને ખીચડી જેવું સાદું ભોજન લીધું હતું. રાજ્યપાલશ્રીની આ ભવ્ય સરળતા અમારા જીવનની સૌથી મોટી અને કયારેય ન ભૂલાય તેવી અવિસ્મરણીય પળ બની રહેશે
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
