<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

જેતપુરના પ્રાચીન નૃસિંહજી મંદિરે સાંજે નૃસિંહ જયંતિની ભવ્‍ય ઉજવણી

રામનવમી શોભાયાત્રાના વિજેતા ફલોટ્‍સ અને રામભક્‍તોનો સન્‍માન સમારોહ યોજાશે : મહંત પૂ. કનૈયાનંદબાપુના સાનિધ્‍યમાં ભાદર કાંઠે મહાઆરતી બાદ સન્‍માન કાર્યક્રમઃ શહેરીજનોને ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું આમંત્રણ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૩૦: શહેરના ભાદર નદીના કાંઠે આવેલા ઐતિહાસિક અને પ્રાચીન નૃસિહજી મંદિરે આજે નૃસિહ જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે. મહંત પૂ. કનૈયાનંદબાપુના પાવન સાનિધ્‍યમાં યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમમાં સાંજે મહાઆરતી બાદ વિશેષ સન્‍માન સમારોહનું આયોજન કરાયું છે

તાજેતરમાં રામનવમી નિમિત્તે શહેરમાં નીકળેલી ભવ્‍ય શોભાયાત્રામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ફલોટ્‍સને સન્‍માનિત કરવામાં આવશે. શોભાયાત્રામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર ફલોટ્‍સના ગ્રુપના આયોજકોનું મહંતશ્રીના હસ્‍તે સન્‍માન કરાશે. સાથે જ શોભાયાત્રાને સફળ બનાવવા તન-મન-ધનથી સેવા આપનાર તમામ રામભક્‍તો, સ્‍વયંસેવકો અને સહયોગીઓનું પણ વિશેષ સન્‍માન કરવામાં આવશે.

નૃસિહ જયંતિ નિમિત્તે મંદિર પરિસરમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સાંજે ભગવાન નૃસિહની મહાઆરતી બાદ સન્‍માન સમારોહ શરૂ થશે. મંદિર ટ્રસ્‍ટ દ્વારા શહેરના ધર્મપ્રેમી નાગરિકો, સામાજિક આગેવાનો અને રામભક્‍તોને આ પાવન પ્રસંગે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

ભાદર નદીના કિનારે આવેલું આ નૃસિહ મંદિર જેતપુરનું પ્રાચીન અને પૌરાણિક મહત્‍વ ધરાવતું શ્રદ્ધાસ્‍થાન છે. દર વર્ષે વૈશાખ સુદ ચૌદશ એટલે કે નૃસિહ જયંતિએ અહીં મોટી સંખ્‍યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે. મહંત પૂ. કનૈયાનંદબાપુના માર્ગદર્શન હેઠળ મંદિરે ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે.

નૃસિંહ જયંતિ નિમિત્તે યોજાનાર આ સન્‍માન સમારોહ શહેરના ધાર્મિક એકતા અને સેવાભાવનાનું પ્રતીક બની રહેશે.

(10:53 AM IST)