News of Thursday, 8th October 2026
મોરબીની મેડિકલ કોલેજમાં વન વિભાગ દ્વારા ‘વન્યપ્રાણી સપ્તાહ'ની ભવ્ય ઉજવણી.
નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલે વન્યપ્રાણીઓનું મહત્ત્વ, જીવનચક્ર અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 2 ઓક્ટોબરથી તા 8 ઓક્ટોબર દરમિયાન 'વન્યપ્રાણી સપ્તાહ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી સ્થિત સરકારી મેડિકલ કોલેજ ખાતે વન વિભાગ દ્વારા 'વન્યપ્રાણી સપ્તાહ'ની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
મોરબી જિલ્લાના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓનું પર્યાવરણમાં રહેલું મહત્ત્વ, તેમનું જીવનચક્ર તેમજ વન્યજીવ સંરક્ષણ અંગે વિસ્તૃત અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વન્યજીવો અને માનવજીવન વચ્ચેના પરસ્પર સંબંધ તથા રાજકોટ વન્યજીવોના સંરક્ષણ માટે સમાજની સહભાગિતાના મહત્ત્વ અંગે પણ સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે વન્યપ્રાણીઓના રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં વન વિભાગને સતત નિઃસ્વાર્થ સહયોગ આપવા બદલ ‘કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ, મોરબી’ તથા યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ’નું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વન્યજીવો પ્રત્યે દયા, સંવેદના અને સંરક્ષણની ભાવના કેળવવા તેમજ વન્યજીવ સંરક્ષણમાં સહભાગી બનવાનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે મોરબી મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડીન ડૉ. સંજય, મદદનીશ વન સંરક્ષક પ્રતિક નારોડિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી તથા વક્તા ભૂપતભાઈ છાયા સહિત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
