તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૩, શુક્રવાર
News of Saturday, 21st November 2026
સર્વોત્તમ ડેરીમાં ૭૩મા અખિલ ભારતીય સહકાર સપ્તાહની ભવ્ય પૂર્ણાહુતિ : સ્થાપક અને એમડી એચ.આર. જોષીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
સિહોરના સર ગામ સ્થિત સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે સાતમાં દિવસે દીપ પ્રાગટ્ય કરાયું : સાત દિવસ દરમિયાન ભાવનગર જિલ્લાની મંડળીઓના દરરોજ ૧૨૦૦થી ૧૩૫૦ કાર્યવાહકોએ આધુનિક પશુપાલનનું માર્ગદર્શન મેળવ્યું, ગામડે ગામડે અમૂલ પાર્લર શરૂ કરવા અને સેક્સ સોર્ટેડ સીમેન ડોઝના ઉપયોગ પર ભાર

સિહોર: શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સર્વોત્તમ ડેરી) ખાતે ૧૪ નવેમ્બર, ૨૦૨૬ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ઉજવાયેલા ૭૩મા અખિલ ભારતીય સહકાર સપ્તાહની પૂર્ણાહુતિ સમારોહ સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સાત દિવસીય ઉજવણીના સાતમાં દિવસે સિહોર તાલુકાના સર ગામ ખાતે આવેલી સર્વોત્તમ દાણ ફેક્ટરીમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એચ.આર. જોષી, ડિરેક્ટરો, જિલ્લા રજિસ્ટ્રાર એ.ડી. દેસાઈ, અધિકારીગણ તેમજ સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દૈનિક ૧૨૦૦થી ૧૩૫૦ કાર્યવાહકોની ઉપસ્થિતિ અને અમૂલ પાર્લરની હિમાયત:
સહકાર સપ્તાહની સાત દિવસની ઉજવણી દરમિયાન ભાવનગર જિલ્લાની વિવિધ દૂધ મંડળીઓમાંથી દરરોજ ૧૨૦૦ થી ૧૩૫૦ જેટલા કાર્યવાહકોએ હાજરી આપી આધુનિક પશુપાલન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરીના ચીફ જનરલ મેનેજર વાય.એચ. જોષીએ ગામડે ગામડે અમૂલ બ્રાન્ડના તમામ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે અમૂલ પાર્લર શરૂ કરવાની હિમાયત કરી હતી અને તેના માટે તમામ પ્રકારનું માર્ગદર્શન તથા સહયોગ આપવાની ખાતરી આપી હતી. તેમણે પોતાના નેતૃત્વમાં ચાલી રહેલા વ્યુહાત્મક માદા ઉછેર પ્રોજેક્ટ અંગે વિગતવાર સમજ આપી હતી તેમજ સેક્સ સોર્ટેડ સીમેન ડોઝના ફાયદા વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઓછા પશુ રાખીને સર્વોત્તમ ડેરી દ્વારા પ્રમાણિત એઆઈ વર્કર પાસે સેક્સ સોર્ટેડ સીમેન ડોઝથી બીજદાન કરાવવાથી અસલ ગીર ગાય અને જાફરાબાદી ભેંસનું વિયાણ થાય છે, જેનાથી દૂધ ઉત્પાદન વધે છે અને પશુપાલનમાં નફો મળે છે.
મૂલ્યવૃદ્ધિ પશુપાલન અને નફાકારકતા પર માર્ગદર્શન:
સંઘના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ પોતાની સરળ અને ગામઠી શૈલીમાં આજના સમયમાં પશુપાલન કેમ કરવું, મૂલ્યવૃદ્ધિ પશુપાલન અને પશુપાલન વ્યવસાયમાં નફો વધારવાના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સારી ઓલાદના પશુઓ વસાવવા, સુધારેલ બિયારણો દ્વારા સારો અને સસ્તો ઘાસચારો મેળવવા તેમજ બજારના ભેળસેળયુક્ત દાણના વિકલ્પે સંપૂર્ણ પોષકતત્વોથી ભરપૂર અને સસ્તું સર્વોત્તમ દાણ વાપરવા અંગે સમજ આપી હતી. ખેતી અને પશુપાલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે ખેતીમાં અનેક ખર્ચ, જોખમ અને ભાવની અનિશ્ચિતતા રહે છે, જ્યારે પશુપાલન ઓછા જોખમવાળો વ્યવસાય છે. વાડીમાં ઘાસચારો થતો હોવાથી ઘાસચારાનો નહીવત ખર્ચ આવે છે અને સર્વોત્તમ ડેરી તરફથી દૂધ ખરીદીના રેકોર્ડબ્રેક ભાવ મળતા પશુપાલકોને નિયમિત આવક થાય છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત દૂધ મંડળીના કાર્યવાહકોને આ તમામ માહિતી પોતાની મંડળીના સભાસદો સુધી પહોંચાડવા અનુરોધ કરાયો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
