News of Wednesday, 18th November 2026
ચોટીલામાં પ્રથમવાર ભવ્યાતિભવ્ય જલારામ જયંતી મહોત્સવની ઉજવણી
મહાઆરતી, મહાપ્રસાદ અને લોકડાયરાના સંગમથી સમગ્ર ચોટીલા બન્યું જલારામમય

ચોટીલા તા. ૧૮ :.. સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી નિમિત્તે ચોટીલા શહેરમાં ભવ્યાતિભવ્ય જલારામ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ, સેવા અને સામાજિક એકતાના ત્રિવેણી સંગમ સમાન આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાઆરતી, મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાના આયોજનથી સમગ્ર ચોટીલા શહેર જલારામમય બની ગયું હતું.
મહોત્સવ દરમિયાન જલારામ બાપાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સમગ્ર ચોટીલા શહેરના નાગરિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે જલારામ જયંતીના આ પવિત્ર અવસરે હિન્દુ-મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોને ભોજન પ્રસાદ માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને સૌએ હર્ષભેર સ્વીકારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામાજિક એકતા અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત અબોલ પશુઓના લાભાર્થે યોજાયેલા ભવ્ય લોકડાયરામાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી સહિતના નામી કલાકારોએ લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવી હતી. કલાકારોની પ્રસ્તુતિએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
આ પ્રસંગે સંતો-મહંતો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક આસ્થા સાથે સામાજિક સમરસતા, સેવા અને માનવતાનો સંદેશ આપતો આ મહોત્સવ ચોટીલાવાસીઓ માટે યાદગાર બની રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ભવ્ય આયોજન ચોટીલાના જાણીતા પત્રકાર મુકેશભાઈ ખખ્ખર દ્વારા કરવામાં આવ્યું હતું. ચોટીલાના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ સ્તરે જલારામ જયંતીની ઉજવણી થતાં શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જલારામ બાપાના સેવા, સદભાવના અને માનવતાના સંદેશને સાર્થક કરતી આ ઉજવણીથી ચોટીલામાં એકતા અને ભાઈચારાની અનોખી મિસાલ જોવા મળી હતી
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
