News of Tuesday, 3rd November 2026
ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ૧૫૬ ભોગ સાથે મહાઅન્નકૂટની ભવ્ય તૈયારી : નવા વર્ષે દેશ વિદેશના બે લાખથી વધુ હરિભક્તો સુધી પહોંચશે મહાપ્રસાદ
દીપાવલીની સંધ્યાએ ૧,૧૧,૧૧૧ દીવડાઓની ઝળહળતી રોશનીથી પ્રજ્વલિત થશે મંદિર પરિસર; ૫૫૦ ડબ્બા દેશી ઘી, ૪૫૦૦ કિલો લોટ, ૬૦૦ ગુણી ખાંડ, ૫૦૦ ડબ્બા તેલ અને અન્ય ખાદ્ય સામગ્રીઓમાંથી નૂતન વર્ષે ૧૫૬થી વધુ વિવિધ વ્યંજનોનો મહાભોગ કરાશે તૈયાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમાન દીપાવલી પર્વને ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે અવિસ્મરણીય બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિરના ૧૬મા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આ વર્ષે દીપોત્સવ અને મહાઅન્નકૂટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીની પાવન સંધ્યાએ મંદિર પરિસર ૧,૧૧,૧૧૧ દીવડાઓના દિવ્ય પ્રકાશથી ઝળહળી ઊઠશે, જ્યારે નૂતન વર્ષના મંગલદિને ભગવાન શ્રીહરિને ૧૫૬થી વધુ વિવિધ વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ધરાવવામાં આવશે. આ મહોત્સવનો અન્નકૂટ પ્રસાદ દેશ-વિદેશમાં વસતા બે લાખથી વધુ હરિભક્તો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ગોકુળમાં પ્રારંભાયેલી અન્નકૂટની પાવન પરંપરા આજે પણ મંદિરોમાં નૂતન વર્ષના દિવસે અખંડ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાય છે. આ જ પરંપરાને વધુ ભવ્યતા અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવવા ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે. કોઠારી સ્વામી દેવવિહારીદાસજીએ જણાવ્યું હતું કે મંદિરના ૧૬ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વર્ષે દીપોત્સવ અને મહાઅન્નકૂટને વિશેષ ભવ્યતા આપવામાં આવી રહી છે.
મંદિરના કાર્યવાહક વહીવટી સંત કોઠારી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૬ વર્ષ દરમિયાન મંદિર દ્વારા આયોજિત અન્નકૂટ ઉત્સવોમાં ૨૭ લાખથી વધુ હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો છે. આ વર્ષે પણ અંદાજે બે લાખથી વધુ ભક્તો સુધી અન્નકૂટનો પ્રસાદ પહોંચાડવાનું ભગીરથ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ૧૫૬થી વધુ વાનગીઓનો દિવ્ય મહાભોગ
આ વર્ષના મહાઅન્નકૂટમાં ૧૫૬થી વધુ પ્રકારની મિષ્ટાન, ફરસાણ અને વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં મૈસૂર, ફાફડા, સુખડી, મોહનથાળ, અડદિયા, પેંડા, બરફી સહિતની અનેક પરંપરાગત વાનગીઓનો સમાવેશ થાય છે. આ વિશાળ આયોજન માટે ૪૫૦૦ કિલો લોટ, ૩૦૦૦ કિલો ફાફડા, ૨૦૦૦ કિલો મગજ, ખાંડની ૬૦૦ ગુણી, દેશી ઘીના ૫૫૦ ડબ્બા અને તેલના ૫૦૦ ડબ્બા સહિત વિશાળ જથ્થામાં સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે. હજારો મણ અનાજ, સુકામેવા અને અન્ય ખાદ્યસામગ્રીથી તૈયાર થનારો આ અન્નકૂટ ભક્તિ સાથે સેવાની ભાવનાનું પણ અનોખું પ્રતીક બનશે.
*સાત સમંદર પાર પણ પહોંચશે અન્નકૂટનો મહાપ્રસાદ*
આ વર્ષના અન્નકૂટની વિશેષતા એ છે કે ભગવાનને ધરાવાયેલો મહાપ્રસાદ માત્ર ભુજ કે કચ્છ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ દેશ-વિદેશમાં વસતા હરિભક્તો સુધી પહોંચશે. અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ આરબ અમીરાત સહિતના દેશોમાં એર કાર્ગો મારફતે મહાપ્રસાદ પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કોઠારી સ્વામી નારાયણમુનિદાસજીના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા હાથ ધરાઈ રહી છે. આમ, ભુજના મંદિરેથી પ્રગટેલી ભક્તિ અને પ્રસાદની સુવાસ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોના ઘર-આંગણે પણ પહોંચશે.
*૧૧ ટીમો, ૧૦૦થી વધુ સંતો અને વિશાળ સ્વયંસેવક પરિવારની સેવા*
આટલા વિશાળ મહાપર્વની વ્યવસ્થાને સુચારુ રીતે પાર પાડવા ૧૧ અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ૧૦૦થી વધુ સંતો, સાંખ્યયોગી બહેનો, શહેર તેમજ ચોવીસીના હરિભક્ત ભાઈ-બહેનો દિવસ-રાત સેવાકાર્યમાં જોડાયા છે. મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત તથા વરિષ્ઠ સંતોના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન આગળ વધી રહ્યું છે. સદ્ગુરુ સ્વામીઓમાં હરિબળદેવદાસજી, કેશવજીવનદાસજી તેમજ કોઠારી સ્વામીઓમાં નારાયણમુનિદાસજી, દેવવિહારીદાસજી, પુરુષોત્તમસ્વરૂપદાસજી, નીલકંઠજીવનદાસજી, વેદપ્રકાશદાસજી, દેવપ્રિયદાસજી, સરયુદાસજી, શ્રીવલ્લભદાસજી, દર્શનપ્રકાશદાસજી, નીલકંઠસ્વરૂપદાસજી, ડૉ. સત્યપ્રસાદદાસજી સહિતના સંતો-મહંતોના માર્ગદર્શન સાથે ખીમજી ભગત, દિનેશ ભગત, નારાણ ભગત તથા કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ, યુવતી મંડળ અને મહિલા મંડળના કાર્યકરો વ્યવસ્થાની જવાબદારી નિભાવી રહ્યા છે.
*દીપાવલી પર્વના કાર્યક્રમોની રૂપરેખા*
તા. ૫ નવેમ્બર – વાઘબારસ: દીપોત્સવી પર્વનો પ્રારંભ, તા. ૬ નવેમ્બર – ધનતેરસ: ધનતેરસની ધાર્મિક ઉજવણી, તા. ૭ નવેમ્બર – કાળી ચૌદશ: પર્વની પરંપરાગત ઉજવણી, તા. ૮ નવેમ્બર – દિવાળી: લક્ષ્મીપૂજન અને ચોપડા પૂજન સાથે સાંજે ૧,૧૧,૧૧૧ દીવડાઓનો ભવ્ય દીપોત્સવ. લાખો જ્યોતિની ઝગમગાટ વચ્ચે મંદિર પરિસર દિવ્ય અને અલૌકિક આભાથી ઝળહળી ઊઠશે, તા. ૯ નવેમ્બર – નૂતન વર્ષ: નવા વર્ષના મંગલપ્રારંભે સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી ભગવાનનાં સન્મુખ ભવ્ય મહાઅન્નકૂટનાં દર્શન તથા મહાપ્રસાદનો લાભ.
આમ, દીપાવલીના પાવન પર્વે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર દીવડાઓની ભક્તિભાવપૂર્ણ ઝળહળાટ અને નૂતન વર્ષના દિવસે ૧૫૬થી વધુ વાનગીઓના દિવ્ય મહાભોગ સાથે ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે ભક્તિ, પ્રકાશ અને પ્રસાદનો અદભુત ત્રિવેણી સંગમ સર્જાશે. આ અવસરે ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજીએ સર્વે હરિભક્તોને પરિવાર સહિત ઉપસ્થિત રહી દિવ્ય દીપોત્સવ, નૂતન વર્ષની મંગલમય અન્નકૂટ આરતી અને દર્શનનો લાભ લેવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
