News of Friday, 11th September 2026
“ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક” ને સર્વોત્તમ ડેરી દ્વારા આવકાર : પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી
નબળી ગુણવત્તાવાળા આહાર અને પશુઓના મોત માટે ૭ થી ૧૦ વર્ષની જેલ અને રૂ. ૫ થી ૧૦ લાખ સુધીના દંડની કડક જોગવાઈ : સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે વિધેયકને વધાવ્યું

સિહોર: ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોના આર્થિક હિત અને પશુધનના સ્વાસ્થ્યની સુરક્ષા અર્થે રજૂ કરવામાં આવેલા ઐતિહાસિક “ગુજરાત પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક” ને ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (સર્વોત્તમ ડેરી) દ્વારા હૃદયપૂર્વક આવકારવામાં આવ્યું છે. સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે આ ક્રાંતિકારી વિધેયક લાવવા બદલ રાજ્ય સરકાર અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો છે.
રાજ્યમાં પશુપાલન અને શ્વેતક્રાંતિ ક્ષેત્રે લાખો પરિવારોની આજીવિકા પશુધન પર નિર્ભર છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બજારમાં નકલી, મિલાવટવાળો અને નબળી ગુણવત્તાવાળો પશુ આહાર વેચીને કેટલાક તત્વો ભોળા પશુપાલકોને છેતરી રહ્યા હતા અને પશુઓના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહ્યા હતા. પશુ આહારમાં થતી આવી ભેળસેળ અને ખોટા લેબલિંગને અટકાવવા માટે આ કડક કાયદો લાવવામાં આવ્યો છે.
કાયદાની મુખ્ય જોગવાઈઓ અને સજાના નિયમો:
* ફરજિયાત લાઇસન્સ: પશુ આહારના ઉત્પાદન અને વેચાણ માટે પશુપાલન વિભાગ પાસેથી કાયદેસરનું લાઇસન્સ મેળવવું ફરજિયાત રહેશે.
* કડક જેલ સજા અને દંડ: પશુ આહારમાં ભેળસેળ, ગુણવત્તા વગરના આહાર કે પશુના મોતના કિસ્સામાં જવાબદારો સામે ૭ થી ૧૦ વર્ષ સુધીની સખત જેલની સજા અને રૂ. ૫ લાખથી ૧૦ લાખ સુધીનો ભારે દંડ ફટકારવાની જોગવાઈ કરાઈ છે.
* ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ: પશુ આહાર અંગેની ભ્રામક જાહેરાતો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
* હાઈ-લેવલ કમિટી: કાયદાના સુચારુ અમલીકરણ અને ક્વોલિટી કંટ્રોલ માટે ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવશે.
* અન્ય રાજ્યોને પણ લાગુ: આ કાયદો માત્ર ગુજરાતમાં બનતા આહાર માટે જ નહીં, પરંતુ અન્ય રાજ્યો કે વિદેશથી ગુજરાતમાં વેચાણ અર્થે આવતા પશુ આહારને પણ સમાન રીતે લાગુ પડશે.
આ વિધેયકથી પશુપાલકોને ઉત્તમ, શુદ્ધ અને પૌષ્ટિક આહાર યોગ્ય કિંમતે મળવાનું સુનિશ્ચિત થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના સમગ્ર પશુધનને મોટો લાભ થશે તેમ સર્વોત્તમ ડેરી, સિહોર દ્વારા જણાવાયું છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
