News of Saturday, 26th September 2026
ગુજરાત પ્રદેશ ભાજપા કિસાન મોરચા પ્રમુખ હિરેનભાઈ હીરપરા ૨૭ સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લાના પ્રવાસે : વિવિધ જાહેર અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં આપશે હાજરી
પાલીતાણાથી લઈને ફરીયાદકા સુધી દિવસભર યોજાશે કિસાનો સાથે સંવાદ, પ્રાકૃતિક ફાર્મની મુલાકાત અને મહાઆરતી સહિતના વિવિધ આયોજનો : જિલ્લા અધ્યક્ષ શૈલેશભાઈ માંગુકિયા અને પ્રભારી ઘનશ્યામભાઈ સોનાણી રહેશે સાથે

ભાવનગર:ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હીરપરા આગામી રવિવાર, તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સમગ્ર દિવસ દરમિયાન ભાવનગર જિલ્લાના પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ કિસાન મોરચાના વિવિધ કાર્યક્રમો, બેઠકો અને જાહેર મુલાકાતોમાં હાજરી આપશે. તેમની સાથે ભાવનગર જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ શૈલેશભાઈ માંગુકિયા અને જિલ્લા કિસાન મોરચાના પ્રભારી ઘનશ્યામભાઈ સોનાણી પણ સમગ્ર પ્રવાસમાં જોડાશે.
નિયત કાર્યક્રમ અનુસાર, સવારે ૧૦ કલાકે પાલીતાણા ડેમ ખાતે આવેલા લોકભારતી સંસ્થા પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ યોજાશે. ત્યારબાદ તે જ સ્થળે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત પ્રાકૃતિક ખેતી સાથે' કાર્યક્રમનું શ્રવણ કરીને ભાગ લેશે.
બપોરે ૧.૩૦ કલાકે કુંભણ સ્થિત મંદબુદ્ધિ આશ્રમ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત મુલાકાત લઈને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અને કામગીરી અંગે માહિતી મેળવશે. ત્યારબાદ બપોરે ૨ કલાકે કુંભણ ખાતે મનસુખભાઈ લાઠીયાના પ્રાકૃતિક ફાર્મની રૂબરૂ મુલાકાત લેશે અને સ્થળ પર ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે.
સાંજે ૪ કલાકે ભાવનગર સ્થિત ‘ભાવ કમલમ’ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા કિસાન મોરચાની પરિચય અને સંકલન બેઠક યોજાશે. જેમાં તેઓ જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલની સાથે ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કિસાન મોરચાના આગામી કાર્યક્રમો તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ કિસાન મોરચાના માધ્યમથી છેવાડાના ખેડૂતો અને લોકો સુધી પહોંચાડીને મહત્તમ ફાયદો અપાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરૂં પાડશે.
દિવસના અંતે સાંજે ૭ કલાકે ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામના ચોરે ‘વિકાસની વાત અને લાભાર્થી મુલાકાત’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં શ્રી રામજી મંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ, ગ્રામજનો સાથે સંવાદ સાધશે તથા સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લેશે. (અહેવાલ - મુકેશ પંડિત)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
