તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Tuesday, 22nd September 2026
રૂમાલ, ચંપલ અને સીસીટીવીએ ખોલ્યો હત્યાનો ભેદ : કચ્છમા મહિલા સાથેના દુષ્કર્મ-હત્યાના બનાવનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ
ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક નજીક ઝાડીમાંથી મળેલી ૪૫ વર્ષીય મહિલાની લાશના કેસમાં ઓરિસ્સાના ૨૩ વર્ષીય યુવકની ધરપકડ : પોલીસની પૂછપરછમાં ગુનાની કબૂલાત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક નજીક બાવળની ઝાડીમાંથી તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ મળી આવેલી ૪૫ વર્ષીય મહિલાની લાશના ચકચારી કેસનો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. ઘટનાસ્થળેથી મળેલા રૂમાલ અને ચંપલ તેમજ CCTV ફૂટેજ તપાસમાં મહત્વની કડી સાબિત થતાં પોલીસે ઓરિસ્સાના ૨૩ વર્ષીય યુવકને ઝડપી લીધો હતો.
તા. ૧૯/૦૯/૨૦૨૬ના રોજ મચ્છુનગર રેલવે ફાટક નજીક બાવળની ઝાડીમાંથી મહિલાની લાશ મળી આવતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી. પ્રાથમિક તબીબી તપાસમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચનાથી ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ, LCB, SOG તથા FSLની ટીમોએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી એક રૂમાલ અને ચંપલ મળી આવ્યા હતા. પોલીસે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસતાં બનાવના આશરે એક કલાક પહેલાં એક શંકાસ્પદ ઈસમ માથા પર એ જ પ્રકારનો રૂમાલ બાંધી રોડ પરથી પસાર થતો નજરે પડ્યો હતો. આ મહત્વની કડીના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી ઈન્દિરાનગર રેલવે પાટા નજીકથી શંકાસ્પદ ઈસમને ઝડપી લીધો હતો.
પોલીસે પકડેલા આરોપીની ઓળખ પ્રેમસિંગ પુરીબાગ (ઉંમર ૨૩), રહે. શ્રદ્ધાપુર, પો.સ્ટે. સુનાપુર, થાના બોડન, જિલ્લા નુઆપાડા, ઓરિસ્સા તરીકે થઈ છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો આચર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, બનાવના દિવસે મહિલા ટીફીન લઈને બાવળવાળા રસ્તેથી પસાર થઈ રહી હતી. દરમિયાન આરોપીએ તેને પકડી પાડતાં મહિલાએ બૂમાબૂમ કરી હતી. આરોપીએ મહિલાનું ગળું દબાવી તેની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારબાદ આરોપી દ્વારા મહિલા સાથે દુષ્કર્મ આચરી મૃતદેહને ઝાડીમાં ફેંકી ફરાર થયો હતો.
મહિલા કામ પર ન પહોંચતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હત્યાની ઘટનાથી સમગ્ર ગાંધીધામ પંથકમાં ચકચાર મચી હતી. આ સમગ્ર તપાસમાં ગાંધીધામ ‘બી’ ડિવિઝન PI એસ.વી. ગોજીયા, LCB PI જે.એમ. વાળા, SOG PI જે.એચ. બોરીસાગર તેમજ ડોગ સ્કવોડના સ્નિફર ડોગ ‘જય’ અને તેની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આરોપીની ધરપકડ બાદ પોલીસે મેડિકલ સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
