<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ત્રિપલ અકસ્‍માતમાં પિતા-પુત્રી સહિત ૪ના મોત

સાવરકુંડલાના ગોખરવાડા પુલ પાસે કાળનો કહેરઃ એસટી બસ, બોલેરો અને બાઈક વચ્‍ચે ભયંકર ટક્કરઃ ૫ વર્ષની માસૂમ ધ્રુવી અને ૪ વર્ષના નીતિનનું પણ મોતઃ ૪ થી ૫ ઈજાગ્રસ્‍તોને સાવરકુંડલા-અમરેલી હોસ્‍પિટલમાં ખસેડાયાઃ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૦: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોખરવાડા ગામના પુલ પાસે આજે સવારે ભયંકર ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. એસટી બસ, બોલેરો અને ટુવ્‍હીલ વચ્‍ચે થયેલા આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ૪ વ્‍યક્‍તિના ઘટનાસ્‍થળે જ કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે. સવારના પહોરમાં જ સર્જાયેલા આ અકસ્‍માતના સમાચાર મળતા જ ગોખરવાડા, દેવળીયા અને સાવરકુંડલામાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, આજે સવારે ગોખરવાડા ગામના પુલ પાસેથી એક એસટી બસ, એક બોલેરો ગાડી અને એક ટુવ્‍હીલ પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પુલ પર જ ત્રણેય વાહનો વચ્‍ચે ધડાકાભેર અકસ્‍માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના પતરા ચગદાઈ ગયા હતા અને ઘટનાસ્‍થળે જ ચીસાચીસ મચી ગઈ હતી. આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્‍કાલિક દોડી આવ્‍યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ ગમખ્‍વાર અકસ્‍માતમાં કુલ ૪ વ્‍યક્‍તિઓના મોત થયા છે. જેમાં દેવભૂમિ દેવળીયા ગામના રહેવાસી ગોગનભાઈ બટુકભાઈ સોલંકી (ઉ.વ. ૩૭), તેમની ૫ વર્ષની માસૂમ પુત્રી ધ્રુવી ગોગનભાઈ સોલંકી (ઉ.વ. ૫), નીતિન યોગેશભાઈ સોલંકી (ઉ.વ. ૪) અને એસટી બસના ડ્રાઈવર સાવરકુંડલાના વતની મેહુલભાઈ દિલુભાઈ વાળાનો સમાવેશ થાય છે.

પિતા-પુત્રી સહિત બે માસૂમ બાળકોના એક સાથે મોત થતા પરિવારજનોમાં કલ્‍પાંત છવાઈ ગયો છે. તમામ મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે સાવરકુંડલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. પોસ્‍ટમોર્ટમ બાદ મળતદેહો પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરાશે.

આ અકસ્‍માતમાં અન્‍ય ચારથી પાંચ વ્‍યક્‍તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર અર્થે સાવરકુંડલા અને અમરેલીની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. જ્‍યાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાક ઈજાગ્રસ્‍તોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યો હતો. પોલીસે ઘટનાસ્‍થળનું પંચનામું કરી અકસ્‍માતગ્રસ્‍ત વાહનોને રસ્‍તા પરથી હટાવી વાહનવ્‍યવહાર પૂર્વવત કરાવ્‍યો હતો. આ અકસ્‍માત કયા કારણોસર સર્જાયો, કોની બેદરકારી હતી, તે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પુલ પાસે સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

એક સાથે ચાર વ્‍યક્‍તિના મોત થતા દેવળીયા ગામ અને સાવરકુંડલામાં ઘેરો શોક છવાયો છે. ખાસ કરીને ૫ વર્ષની ધ્રુવી અને ૪ વર્ષના નીતિન જેવા બે માસૂમ બાળકોના મોતથી ગ્રામજનો પણ હચમચી ગયા છે. સમગ્ર ગામમાં માતમનો માહોલ છે અને મળતકોના પરિવારને સાંત્‍વના આપવા લોકો ઉમટી રહ્યા છે.

(4:06 PM IST)