<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

પશ્ચિમ કચ્છના કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ચૌધરી ₹70,000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

વાહનો પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાવવા માટે લાંચની માંગણી કરી હતી : ACBએ છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતાં જ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા

પશ્ચિમ કચ્છમાં લાંચિયા કર્મચારીઓ સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ₹70 હજારની લાંચ લેતા ACB ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલા વાહનો મુક્ત કરાવવા માટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ACB એ સમગ્ર મામલે છટકું ગોઠવી લાંચની રકમ સ્વીકારતા જ પોલીસ કર્મચારીને ઝડપી પાડ્યો હતો.

 

મળતી માહિતી મુજબ, કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ દલજીભાઈ ચૌધરીએ વાહનોને પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરાવવા માટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીના વાહનોને છોડાવવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની હતી. આ માટે ભુસ્તરશાસ્ત્રી, ભુજ તેમજ માંડવી કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વાહનો મુક્ત કરાવવાના હતા. જોકે, આ પ્રક્રિયા દરમિયાન વાહનો છોડાવવા માટે હેડ કોન્સ્ટેબલ દ્વારા ₹70 હજારની લાંચ માંગી હતી.

 

પોલીસ કર્મચારી દ્વારા લાંચની માગણી કરવામાં આવતાં ફરિયાદીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની વિગતોના આધારે ACB ની ટીમે સમગ્ર મામલે તપાસ કરી લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન લાંચની રકમની આપ-લે થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ACBની ટીમે યોગ્ય તકની રાહ જોઈ સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું.

 

 

ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરી ફરિયાદી પાસેથી ₹70 હજારની લાંચ સ્વીકારતા જ ACB ની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીથી પશ્ચિમ કચ્છના પોલીસ વિભાગમાં ચર્ચા જાગી છે. સરકારી ફરજ દરમિયાન વાહનો મુક્ત કરાવવાની પ્રક્રિયામાં લાંચની માગણીના આક્ષેપને પગલે ACB એ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:00 PM IST)