News of Sunday, 17th May 2026
ભાવનગરમાં ફરી ગરમીનો પ્રકોપ વધ્યો : મહત્તમ સાથે લઘુત્તમ તાપમાનમાં વધારો
અડધા શહેરમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીમાં થોડી રાહત અનુભવાઈ રહી હતી, પરંતુ આજે રવિવારે ફરી એકવાર ગરમીનો પ્રકોપ વધતા નગરજનો પરેશાન થઈ ગયા હતા. શહેરનું મહત્તમ તાપમાન ફરી વધીને ૪૧.૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન પણ ૨૯.૩ ડિગ્રી નોંધાતા દિવસ ઉપરાંત રાત્રિના સમયે પણ ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું હતું. ગરમ પવન ફૂંકાતા બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા હતા અને લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા.
હવામાન વિભાગના આંકડા મુજબ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૮ ટકા નોંધાયું હતું અને પવનની ઝડપ પ્રતિ કલાક ૧૪ કિલોમીટર રહી હતી. ગરમી અને ગરમ પવનના કારણે લોકોમાં બેચેનીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો અને દૈનિક મજૂરી કરતા લોકો માટે બપોરનો સમય ભારે કપરોય સાબિત થયો હતો.
આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો. અડધા જેટલા ભાવનગર શહેરમાં કલાકો સુધી લાઈટ ગુલ રહેતાં લોકો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વીજળી બંધ રહેતા ઘરોમાં પંખા અને એ.સી. બંધ થઈ જતા લોકો અકળાઈ ગયા હતા, જ્યારે વેપારીઓ અને નાના ધંધાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
વીજ પુરવઠો બંધ રહેવાને કારણે પાણીની મોટરો, ઇન્ટરનેટ સેવા અને અન્ય દૈનિક કામકાજ પર પણ અસર પડી હતી. અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર અને સોસાયટીના ઓટલાઓ પર બેસી ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. સતત વધતી ગરમી અને અનિયમિત વીજ પુરવઠાને કારણે નગરજનોમાં તંત્ર સામે રોષની લાગણી પણ જોવા મળી હતી.
હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગરમીનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જેના કારણે નગરજનોએ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા તેમજ પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
