<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદથી નાયકા અને વાંસલ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોમાં પૂરનો ખતરો : તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યું

મુળીનો નાયકા ડેમ 100% ભરાયો, ચુડા-ગોખરવાળા સહિત નદીકાંઠાના ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રની અપીલ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧ : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી એકધારા વરસાદે જિલ્લાના તમામ તાલુકાઓને તબાહ કરી મૂક્યા છે. સાર્વત્રિક રીતે 4 થી 8 ઇંચ વરસાદ ખાબકતા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સત વરસાદના કારણે જિલ્લાના બે મહત્વના જળાશયો નાયકા અને વાંસલ ડેમ ઓવરફ્લો થયા છે, જેના પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

લખતરમાં સૌથી વધુ વરસાદ, તમામ તાલુકા પલળ્યા  

હવામાન વિભાગ અને જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં લખતર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ એટલે કે 197 મીમી વરસાદ નોંધાયો છે.  

આ સિવાય વઢવાણમાં 172 મીમી, ચુડામાં 171 મીમી, મુળીમાં 141 મીમી, સાયલામાં 124 મીમી, થાનગઢમાં 98 મીમી, દસાડામાં 97 મીમી, ધ્રાંગધ્રામાં 94 મીમી, ચોટીલામાં 89 મીમી અને લીંબડીમાં 85 મીમી વરસાદ નોંધાયો છે. સત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાના અહેવાલો મળી રહ્યા છે.

નાયકા-વાંસલ ડેમ ઓવરફ્લો, ગામોને સાવધાની  

સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગે જાણકારી આપી છે કે મુળી તાલુકાનો નાયકા ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ગયો છે અને તેમાંથી પાણીની આવક-જાવક શરૂ થઈ છે. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપર ગામોના ગ્રામજનોને તંત્ર દ્વારા તાત્કાલિક સાવધાન કરાયા છે.

તેવી જ રીતે સત પાણીની આવકને કારણે વાંસલ ડેમ પણ તેની પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ચુડા અને ગોખરવાળા ગામોને સૌથી વધુ અસર થવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા આ ગામોના સ્થાનિક નાગરિકો, ગ્રામજનો અને પશુપાલકોને નદીના પટમાં કે તેની આસપાસ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નદી ઓળંગવાની કોશિશ ન કરવા સૂચના આપવામાં આવી છે.

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની માલ-મિલકત, ઢોર-ઢાંખર અને પશુધનને તાત્કાલિક અસરથી સલામત અને ઊંચાણવાળા સ્થળોએ ખસેડી લે.

અધિકારીઓએ જણાવ્યું કે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગ્રામજનોએ તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. વહીવટી તંત્ર, SDRF અને સ્થાનિક ટીમો પરિસ્થિતિ પર સત નજર રાખી રહી છે અને જરૂર પડ્યે રેસ્ક્યૂ કામગીરી માટે સજ્જ છે.

હાલ જિલ્લામાં વરસાદ યથાવત રહેતા લોકોને ઘરમાં જ રહેવા અને બિનજરૂરી અવરજવર ટાળવાની સલાહ આપવામાં આવી છે.

 

(1:04 PM IST)