News of Sunday, 26th April 2026
જોધપુરના ખેતરમાં ધમધમતી ડ્રગ ફેક્ટરી પર પોલીસનો હાઈવોલ્ટેજ દરોડો: સામસામે ગોળીબાર બાદ ૧૦૦ કિલો એમડી ડ્રગ્સ સાથે આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ
ટ્રેક્ટર-ટ્રોલીમાં વેશપલટો કરીને આવેલી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે મધરાતે ખેતરને ઘેર્યું, ડ્રગ માફિયાઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ અને જવાબી કાર્યવાહીમાં એક આરોપી ઘાયલ થતા ડ્રગ નેટવર્કનો પર્દાફાશ

બાલેસર : જોધપુર જિલ્લાના બાલેસર વિસ્તારમાં પોલીસ અને એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ખેતરમાં ચાલતી એમડી ડ્રગ બનાવતી મોટી ફેક્ટરી ઝડપી પાડી છે. બાવરલી વિસ્તારના લુણાવપુરા ગામમાં ગુપ્ત રીતે ચાલતા આ કાળા કારોબાર પર તરાપ મારવા માટે પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ કરી વેશપલટો કર્યો હતો. રવિવારે વહેલી સવારે ૩:૩૦ વાગ્યે પાડેલા આ દરોડા દરમિયાન અંદાજે ૧૦૦ કિલો જેટલું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત કરોડોમાં હોવાનું મનાય છે.
દરોડા દરમિયાન ડ્રગ માફિયાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ગોળીબારની ઘટના પણ બની હતી. પોલીસને આવતી જોઈ આરોપીઓએ બચવા માટે ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે પણ વળતો પ્રહાર કર્યો હતો. આ અથડામણમાં એક આરોપીને પગમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક આરોપીએ ભાગવાની કોશિશમાં ઇજા વહોરી હતી. ઘટનાની ગંભીરતા જોતા બાલેસર સહિત આસપાસના પોલીસ મથકોનો કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો.
હાલમાં એફએસએલ (FSL) ટીમ દ્વારા ઘટનાસ્થળેથી નમૂના લેવામાં આવ્યા છે અને આ ફેક્ટરીના મૂળિયાં ક્યાં સુધી ફેલાયેલા છે તે અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. આ સફળ કામગીરીથી મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ તૈયાર કરવા માટેનું રો મટીરીયલ ક્યાંથી આવતું હતું અને તૈયાર માલની સપ્લાય કયા કયા રાજ્યોમાં કરવામાં આવતી હતી.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
