News of Monday, 27th April 2026
ટંકારાના અકિલાના પત્રકાર ભાવિનભાઈ સેજપાલના દાદીમા હીરાબેનએ ૯૪ વર્ષની ઉંમરે નિભાવી લોકશાહીની ફરજ
પરિવારજનોના સહારે પહોંચ્યા મતદાન મથકે, કહ્યું- મતદાન એ દેશ માટે ફરજ છે, ઉંમર નડે નહીં, જુસ્સો મહત્વનોઃ યુવા મતદારો માટે બન્યા પ્રેરણારૂપ

ટંકારા તા.૨૭: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬માં લોકશાહી પ્રત્યેની નિષ્ઠાના અનેક દ્રષ્ટાંતો સામે આવી રહ્યા છે. ટંકારાના અકિલાના પત્રકાર ભાવિનભાઈ સેજપાલના દાદી હીરાબેન હરજીવનભાઈ સેજપાલે ૯૪ વર્ષની જૈફ વયે મતદાન કરીને સૌ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આજે રવિવારે હીરાબેન પરિવારજનોના સહારે ટંકારા સ્થિત મતદાન મથકે પહોંચ્યા હતા અને ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૯૪ વર્ષની ઉંમરે પણ તેમનો લોકશાહી પ્રત્યેનો જુસ્સો અડીખમ રહ્યો હતો. મતદાન બાદ તેમણે જણાવ્યું કે, ૅમતદાન એ દેશ માટે આપણી ફરજ છે. શરીર સાથ આપે કે ન આપે, પણ દેશ માટે મત આપવો જ જોઈએ. ઉંમર નડતી નથી, જુસ્સો મહત્વનો છે.
તેમના પૌત્ર અને અકિલાના પત્રકાર ભાવિનભાઈ સેજપાલે જણાવ્યું કે, દાદી દરેક ચૂંટણીમાં નિયમિત રીતે મતદાન કરે છે. લોકસભાથી લઈને ગ્રામ પંચાયત સુધી એક પણ ચૂંટણી તેમણે ચૂકી નથી. આજે પણ તેમણે જાતે મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મતદાન મથક પર હાજર અન્ય મતદારો અને અધિકારીઓએ હીરાબેનની ફરજાનિષ્ઠાને બિરદાવી હતી. ૯૪ વર્ષની ઉંમરે પણ લોકશાહીના પર્વમાં સહભાગી થવાનો તેમનો ઉત્સાહ ખાસ કરીને યુવા મતદારો માટે પ્રેરણારૂપ બન્યો છે
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
