News of Saturday, 27th June 2026
ભુજવાસીઓ માટે ઐતિહાસિક નિર્ણય: નર્મદાના નીરથી બારેમાસ છલકાશે લેર ડેમ, પાણીની કટોકટીનો આવશે કાયમી અંત
કુકમા હેડવર્કસથી નવી પાઇપલાઇન બિછાવવા અને ₹૫ કરોડના ખર્ચે ડેમની જળસંગ્રહ ક્ષમતા વધારવા માસ્ટર પ્લાન: આગામી ૨૫ વર્ષ સુધી પીવાના પાણીની ચિંતા મટશે

ભુજ : ભુજ શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ અથવા મેઇન્ટેનન્સના સમયે સર્જાતી પાણીની ભયંકર કટોકટી હવે ટૂંક સમયમાં જ ભૂતકાળ બની જશે. રાજ્ય સરકારે ભુજની જનતાની તરસ છિપાવવા માટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભુજ શહેરને કાયમી ધોરણે રોજેરોજ ૬૦ એમએલડી (MLD) પાણીનો જથ્થો કોઈપણ અડચણ વિના નિયમિત મળતો રહે તે માટે હવે લેર ડેમને બારેમાસ નર્મદાના નીરથી ભરેલો રાખવાનું ભગીરથ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિગતવાર માહિતી આપતા પ્રજા જોગ ખુશખબર શેર કર્યા છે.
ધારાસભ્યના જણાવ્યા અનુસાર, ભુજ નગરપાલિકા હસ્તકના કુકમા હેડવર્કસથી ૪.૫૦ કિલોમીટર દૂર આવેલા લેર ડેમ સુધી નર્મદાના મધુર નીર પહોંચાડવા માટે એક સ્પેશિયલ અલાયદી પાઇપલાઇન બિછાવવામાં આવશે. આ પાઇપલાઇન સીધી કુકમાના આધુનિક ફિલ્ટર પ્લાન્ટ સુધી જોડાશે.
₹૫ કરોડના ખર્ચે લેર ડેમનો થશે કાયાકલ્પ
આ પ્રોજેક્ટ અંતર્ગત માત્ર પાઇપલાઇન જ નહીં, પરંતુ જળસંગ્રહના માળખાને પણ વધુ મજબૂત બનાવવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા આશરે ₹૫ કરોડના માતબર ખર્ચે લેર ડેમની ઊંડાઈ અને પાળાની ઊંચાઈ વધારવાની કામગીરી હાથ ધરાશે. આ આધુનિકીકરણના કારણે હાલની ૧.૨૪૧ મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતા આ ડેમમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ બમણી થઈ જશે, જે કટોકટીના સમયે ભુજ શહેર માટે 'લાઈફલાઈન' સાબિત થશે.
બન્ની પ્રદેશ અને 'ભાડા' વિસ્તારની ૨૫ વર્ષની સુવિધા
ભવિષ્યનું આગોતરું આયોજન
આ નવું જળ વિતરણ નેટવર્ક માત્ર વર્તમાન સ્થિતિને સુધારવા માટે જ નહીં, પરંતુ ભુજ શહેર ઉપરાંત ભુજ શહેરી વિકાસ સત્તામંડળ (BHADA) અને કચ્છના ભાતીગળ તેમજ સંવેદનશીલ બન્ની પ્રદેશની આગામી ૨૫ વર્ષની વસ્તી અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવશે.
ધારાસભ્ય કેશુભાઈ પટેલે ઉમેર્યું કે, આ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી ખાસ રજૂઆતને સાનુકૂળ પ્રતિસાદ મળ્યો છે અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા વેગવંતી બની છે. લેર ડેમનું પાણી ભુજ શહેર માટે અનામત (રિઝર્વ) થઈ જવાથી ભવિષ્યમાં જળ વિતરણ વ્યવસ્થા વધુ સુચારુ, સક્ષમ અને ભરોસાપાત્ર બનશે, જેને પગલે સમગ્ર પંથકના નાગરિકોમાં આનંદની હેલી જોવા મળી રહી છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
