<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ફ્રી ફાયર ગેમમાં ‘જીગર’ નામની હિન્દુ આઈડી બનાવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, બળાત્કાર ગુજારી ધર્માંતરણનું દબાણ કરનાર આરોપી જિયાદ શેખને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ અને ૨ લાખનો દંડ

કચ્છની અદાલતે ગુનાની ગંભીરતાને આધારે આવા બનાવોને સમગ્ર દેશ, સમાજ અને દરેક ધર્મ માટે જોખમરૂપ ગણાવ્યા : સહ-આરોપીઓએ રેકી અને ફેક આઈડી બનાવવામાં કરી હતી મદદ : પીડિતાને ૨ લાખનું વળતર ચૂકવવા ભલામણ

વિનોદ ગાલા દ્વારા, ભુજ: મોબાઈલ ગેમિંગ એપ્લિકેશનના માધ્યમથી પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવી, એક હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, તેની પર બળાત્કાર ગુજારીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરવાના (લવ જેહાદ) ચકચારી કેસમાં ભુજ (કચ્છ)ના સ્પેશિયલ જજ જે.એ.ઠક્કરની અદાલતે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ગુનાના મુખ્ય આરોપી જિયાદ ઉર્ફે જીગર ઉર્ફે સમીર લતીફ શેખને દોષિત ઠેરવીને તેને અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદની સજા ફટકારી છે, સાથે જ કુલ ૨,૦૦,૦૦૦ રૂપિયાનો આકરો દંડ પણ કર્યો છે. આ ચુકાદાથી સમગ્ર કચ્છ અને ગુજરાતભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

 ફેક આઈડીથી મિત્રતા કેળવી આચરાયું દુષ્કર્મ:

બનાવની વિગત મુજબ, મહારાષ્ટ્રના પુના જિલ્લાના ઇન્દાપુર તાલુકાના કાલઠન ગામના રહેવાસી આરોપી જિયાદ શેખે હિન્દુ સગીરાઓને પોતાના જાળમાં ફસાવવાના મલિન ઇરાદા સાથે ત્રણેક વર્ષ પહેલાં પોતાના મોબાઈલમાં ‘Free Fire Max’ નામની ઓનલાઈન ગેમ ડાઉનલોડ કરી હતી. આ ગેમમાં તેણે પોતાનો અસલી ધર્મ છુપાવીને ‘જીગર’ નામનું એક નકલી આઈડી બનાવ્યું હતું. ગેમ રમતી વખતે તેણે અનુસૂચિત જાતિની સગીર વયની ફરિયાદી બહેન સાથે મિત્રતા કેળવી હતી. ભોગ બનનાર સગીરા હોવાની સંપૂર્ણ જાણ હોવા છતાં, આરોપીએ તેને વિશ્વાસમાં લીધી હતી અને લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.

 

 ફોટા વાયરલ કરી સગાઈ તોડાવી, ધર્માંતરણ માટે દબાણ કર્યું:

આટલેથી ન અટકતા, આરોપી જિયાદ શેખે સગીરાની જાણ બહાર તેની કઢંગી હાલતના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ સગીરા પર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી નિકાહ કરી લેવા માટે સતત માનસિક દબાણ કર્યું હતું. જોકે, સગીરાએ ધર્માંતરણ કરવાની સ્પષ્ટ ના પાડી દેતાં, આરોપીએ તેને સમાજમાં બદનામ કરવાના ઇરાદે તે ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધા હતા. આ ગંભીર કૃત્યને કારણે પીડિત સગીરાની થયેલી સગાઈ પણ તૂટી ગઈ હતી.

 

 સહ-આરોપીઓએ રહેવા-જમવાની અને રેકી કરવાની મદદ કરી:

આ ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જિયાદ શેખને ગોધરા (તા. માંડવી)ના સહ-આરોપીઓ કાસમ ઓસમાણ હિંગોરજા અને અલ્તાફ જુમા લાખાએ પૂરેપૂરો સાથ આપ્યો હતો. આ સહ-આરોપીઓએ તેને રહેવા તેમજ જમવાની સુવિધા પૂરી પાડી હતી, એટલું જ નહીં પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવવામાં અને ભોગ બનનાર સગીરાના પરિવારની રેકી કરવામાં પણ સક્રિય મદદ કરી હતી.

 

 વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો અને ધારદાર દલીલો:

આ સમગ્ર મામલે બોર્ડર રેન્જ ભુજ સાયબર પોલીસ સ્ટેશનમાં આઈપીસી, પોક્સો એક્ટની કલમ ૪, ૬, ૧૦, એટ્રોસિટી એક્ટ, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ ૨૦૨૧ની કલમ-૪ તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એસ.સી.એસ.ટી સેલના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે.ક્રિશ્ચિયન દ્વારા આ કેસની તપાસ અત્યંત બારીકાઈથી પૂર્ણ કરી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અદાલતી કાર્યવાહી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી.જાડેજાએ પ્રોસીક્યુશન તરફે ધારદાર અને સચોટ દલીલો રજૂ કરી હતી, જેમાં ૪૫ જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવા અને ૧૬ સાક્ષીઓની જુબાની તપાસવામાં આવી હતી.

 

 કોર્ટે ફટકારેલી સજા અને દંડની વિગત:

અદાલતે ગુનાની ભયાનકતા અને ગંભીરતાને ધ્યાને રાખીને આરોપી જિયાદ લતીફ શેખને નીચે મુજબની આકરી સજા ફટકારી છે:

  પોક્સો એક્ટ કલમ-૬ મુજબ: અંતિમ શ્વાસ સુધીની સખત આજીવન કેદ અને ૧,૦૦,૦૦૦ રૂપિયાનો દંડ.

  ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ કલમ-૪ મુજબ: ૩ વર્ષની સખત કેદ અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ.

  આઈ.ટી. એક્ટ કલમ ૬૬, ૬૭ મુજબ: ૩ વર્ષની સખત કેદ અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ.

 

 દેશ અને સમાજ માટે આવા ગુના જોખમરૂપ: કોર્ટની ગંભીર નોંધ:

ચુકાદો આપતી વખતે સ્પેશિયલ અદાલતે સમાજ આંખ ઉઘાડે તેવી ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, "ભારત દેશમાં ઘણા બધા ધર્મના લોકો પરસ્પર વસવાટ કરે છે અને જો આવા પ્રકારના ગંભીર બનાવો બનતા રહે અને તેમાં સતત વધારો થતો રહે તો તે સંપૂર્ણ સમાજ, દેશ તેમજ દરેક ધર્મની એકતા માટે જોખમ સ્વરૂપ છે."

 

આ સાથે જ અદાલતે ભોગ બનનાર પીડિત સગીરાને ૪,૦૦,૦૦૦ રૂપિયાનું આર્થિક વળતર ચૂકવવા માટે ડીએલએસએ (DLSA) ને ભલામણ કરી છે. તદુપરાંત, સી.ડબ્લ્યુ.સી. (CWC) તથા ડી.સી.પી.યુ. (DCPU) ને ખાસ આદેશ કર્યો છે કે તેઓ પીડિતાનો રૂબરૂ સંપર્ક કરે અને તેનું ભવિષ્યનું જીવન તેમજ શિક્ષણ ફરીથી સારી રીતે પુનઃસ્થાપિત થાય તે માટે યોગ્ય માર્ગદર્શન અને પૂરતી કાળજી લે. સમગ્ર કચ્છમાં ભારે ચકચાર જગાવનાર આ કિસ્સામાં સ્થાનિક પોલીસ, રેન્જ કચેરી તથા પશ્ચિમ કચ્છ પોલીસ ટીમે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરીને આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, જેને પગલે કોર્ટે મજબૂત પુરાવાને ગ્રાહ્ય રાખી આ ઐતિહાસિક સજા સંભળાવી છે.

(6:47 PM IST)