<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળીનો ઐતિહાસિક વિક્રમઃ રૂા.૨૬.૫૦ લાખનો સર્વાધિક નફો, સભાસદોને ૧૫ ટકા ડિવિડન્‍ડની જાહેરાત

 

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી, તા,, ૧૦ : સહકારી મંડળીની ૭૧મી વાર્ષિક સાધારણ સભા ગુરુવારે  ઉત્‍સાહભેર યોજાઈ હતી. સભામાં RDC બેંકના ડિરેક્‍ટર હરિભાઈ ઠુંમર, RDC બેંકના ડિરેક્‍ટર નરસિંહભાઈ મુંગલપરા, ઉપલેટા તાલુકા સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખીયા, ઉપપ્રમુખ ભુરા બોપાલા, કોલકી સહકારી મંડળીના પ્રમુખ નીલમબેન ખાંટ તેમજ ખારચીયા સહકારી મંડળીના પ્રમુખ બાબુભાઈ હુંબલ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. મોટી સંખ્‍યામાં સભાસદ ખેડૂતોએ પણ હાજરી આપી હતી.

વર્ષ ૧૯૫૬ માં સ્‍થાપિત મોટી પાનેલી સહકારી મંડળીએ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રૂ. ૨૬.૫૦ લાખનો નફો મેળવી સ્‍થાપના પછીનો સર્વાધિક નફો નોંધાવી નવો ઇતિહાસ રચ્‍યો છે. આ સિદ્ધિ બદલ સભામાં આનંદની લાગણી જોવા મળી હતી.

મંડળીના પ્રમુખ વિરેનભાઈ ફળદુ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના તમામ સભ્‍યોએ પારદર્શક અને જવાબદાર વહીવટના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્‍યું હતું. સાથે જ આવનારા વર્ષોમાં મંડળીને વધુ પ્રગતિના શિખરો સુધી પહોંચાડવાનો સંકલ્‍પ પણ વ્‍યક્‍ત કર્યો હતો.

સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ના નફાને ધ્‍યાનમાં રાખીને સભાસદ ખેડૂત ભાઈઓને ૧૫ ટકા ડિવિડન્‍ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને ઉપસ્‍થિત સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય કામગીરી અને ખેડૂતહિતના નિર્ણયો દ્વારા મોટી પાનેલી સહકારી મંડળીએ સહકારી ક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું હોવાનું મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું.

પાનેલી મોટી સહકારી મંડળી ના પ્રમુખ વિરેનભાઈ ફળદુ તેમજ ઉપ પ્રમુખ મેહુલ ભાઈ વરસાણી દ્વારા RDC બેંક ના ડીરેક્‍ટર હરીભાઇ ઠુંમરનુ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું

(11:47 AM IST)