News of Friday, 1st May 2026
કેશોદ તાલુકાના પંચાળા ગામે ઘરકંકાસમાં પતિએ પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો
ઘરકંકાસના કારણે પતિએ ઉશ્કેરાઈને પત્ની રમીલાબેન પર જીવલેણ ઘા ઝીંક્યા :ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને કેશોદથી જૂનાગઢ રીફર કરાયા

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા પંચાળા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ઘરકંકાસ જેવી સામાન્ય બાબતમાં પતિએ પોતાની જ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ પતિ અને પત્ની વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર ઝગડો થયો હતો. આ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ હિંસક રૂપ ધારણ કરીને પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
હુમલાનો શિકાર બનેલી મહિલાનું નામ રમીલાબેન મનસુખભાઈ બાલસ હોવાનું સામે આવ્યું છે. કુહાડીના ઘા વાગવાના કારણે રમીલાબેન લોહીલુહાણ હાલતમાં થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે મહિલાની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ કાફલો તુરંત પંચાળા ગામે ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. હાલમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગામમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
