<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

વાતો નહીં કરું, કામ કરીને બતાવું છું.' આ તલવારો એમને એમ નથી રાખી, જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરું છું.: સ્નેહમિલન કાર્યક્રમમાં પરસોતમભાઇ સોલંકીનો અલગ અંદાજ

ભાવનગર ગ્રામ્ય બેઠકના નૂતન વર્ષ સ્નેહમિલનમાં મંત્રી પરષોત્તમભાઈ સોલંકીએ અનેક આકરાં નિવેદનો આપ્યાં:તેમણે કામ કરવાની પોતાની પદ્ધતિ, મંત્રીપદ, ભૂતકાળના 32 કેસ અને તલવારો અંગે નિવેદન આપ્યું: પીએમ મોદી, અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈ પટેલને મર્દ માણસ ગણાવ્યા

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકનું આજે નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું હતું. મંત્રી પરષોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન મંત્રી પરષોત્તમભાઈ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં સંબોધન કરતાં અનેક આકરાં નિવેદનો આપ્યાં હતાં. તેમનાં નિવેદનોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

 

સંબોધન દરમિયાન પરષોત્તમભાઈ સોલંકીએ પોતાના કામ કરવાની પદ્ધતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે, 'વાતો નહીં કરું, કામ કરીને બતાવું છું.' ઘણા લોકો વચનો આપે છે, પરંતુ તેઓ કામ કરનારા માણસ છે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, 30 વર્ષ સુધી મંત્રી બનાવજો એવું તેમણે કોઈને કહ્યું નથી. મંત્રી બનાવે તો ઠીક, નહીં તો પોતાના મલકમાં પાછા જતા રહીશું. તેમના આ નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

 

 

પોતાના સેવાકાર્ય અને જાહેર જીવન અંગે વાત કરતાં મંત્રીએ કહ્યું હતું કે, તેમણે ગરીબ બહેનો અને દીકરીઓની દુઆ લીધી છે. તેઓ અહીં પૈસા કમાવવા માટે આવ્યા નથી, ભગવાને તેમને ઘણું આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 'મેં કોઈના પૈસા ખાધા નથી.' આ સાથે તેમણે લોકોને કોઈ તકલીફ હોય તો સીધા આવીને મળવા જણાવ્યું હતું અને તેમનું કામ થઈ જશે તેવી ખાતરી આપી હતી.

 

 

સ્નેહમિલનમાં પરષોત્તમભાઈ સોલંકીના એક નિવેદને ખાસ ચર્ચા જગાવી હતી. તેમણે કહ્યું હતું કે, 'આ તલવારો એમને એમ નથી રાખી, જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરું છું.' પોતાના પહેરવેશ અંગે તેમણે કહ્યું કે, 'વાઈટ કપડાં તમારા માટે પહેર્યા છે, ભૂતકાળમાં કાળા કપડાં પણ પહેર્યા છે.' આ ઉપરાંત કેટલાક લોકો કાળાં કામ કરે છે, તેમના માટે મુબારક હોવાની ટિપ્પણી પણ કરી હતી.

 

પોતાના ભૂતકાળનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, બોમ્બેમાં તેમના પર 32 કેસ હતા, છતાં તેમને છોડવા પડ્યા હતા. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને 'મર્દ માણસ' ગણાવ્યા હતા. તેમણે પોતાની કાર્યશૈલીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઘણા લોકો રાત્રે 8 વાગ્યે સૂઈ જાય છે, જ્યારે તેઓ એ સમયે પણ કામ કરતા હોય છે.  ત્યારે પરસોત્તમભાઈ સોલંકીના આ તેજ નિવેદનોને લઈ ચર્ચાઓ તેજ થઈ છે.

(11:14 PM IST)