News of Tuesday, 23rd June 2026
કચ્છમાં મુસ્લિમ ધર્મસ્થાનો વિરૂધ્ધ અન્યાયી કાર્યવાહી થશે તો જેલ ભરો આંદોલન
કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા સ્પષ્ટ ચિમકી તંત્રને આવેદનઃ જનમેદની ઉમટી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૩ :.. ભુજ તાલુકામાં ભુજ શહેર નજીક જ આવેલ નાના વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્ચે બબાલ બાદ વહિવટી તંત્ર દ્વારા નાના વરનોરા ખાતે મુસ્લિમોની કેટલિક દુકાનો અને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ સંદર્ભે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ હાજીસલીમ જત, અખિલ કચ્છ એહલે હદીસ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલવહાબ ભચુના અધ્યક્ષસ્થાને કચ્છ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો હતો અને કચ્છના મુસ્લિમ અગ્રણી હાજીઆદમ ચાકી દ્વારા સ્પષ્ટ રજૂઆત થઈ હતી કે કચ્છમાં હવે મુસ્લિમ ધર્મસ્થાનો વિરૂધ્ધ એકતરફી બુલડોઝર કાર્યવાહી થશે તો કચ્છ મુસ્લિમ સમાજ દ્વારા જેલ ભરો આંદોલન છેડવામાં આવશે.
ભુજ તાલુકાના નાના વરનોરા અને રાયધણપર ગામના કેટલાક યુવાનો વચ્ચે થયેલી બોલાચાલી અને મારામારીની ઘટનાને અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા નાના વરનોરા ગામમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના સાથે કોઈ સંબંધ ન ધરાવતા પાંચ સગીર બાળકો સહિત અનેક નિર્દોષ લોકોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું ગામ લોકોનું કહેવું છે.
પોલીસ તંત્ર દ્વારા ગામના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી ઘટનામાં સંડોવાયેલા વ્યક્તિઓને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવશે તો નિર્દોષ લોકોને હેરાનગતિ કરવામાં આવશે નહીં. આ સંદર્ભે ગામ લોકોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને પોલીસ દ્વારા જણાવાયેલા વ્યક્તિઓને પોલીસ સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યા હતા. તેમ છતાં બાદમાં નાના વરનોરા સ્ટેશન વિસ્તારમાં આવેલી મુસ્લિમોની આશરે ૨૧ દુકાનોને માત્ર એક દિવસની નોટિસ આપી તોડી પાડવામાં આવી જેના કારણે અનેક પરિવારોનું રોજગાર છિનવાઈ ગયું, જેમનો મૂળ બનાવ સાથે કોઈ સંબંધ ન હતો.
આ ઉપરાંત ગ્રામ પંચાયતના નામે ડિમોલિશન માટે નોટિસો આપવામાં આવી હતી, જેમાં સહી, સિક્કા તથા વહિવટી પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. નાના વરનોરા ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરી આ નોટિસો રદ કરવામાં આવી હતી તેમ છતાં તલાટી ક્રમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી તથા અન્ય અધિકારીઓની હાજરીમાં તા. ૧૫-૬-૨૬ ના મુસ્લિમોના ૯ જેટલા કાયદેસરના મકાનો તોડી પાડવામાં આવ્યાનું ગામ લોકો કહે છે.
ડિમોલિશન અટકાવવા વરનોરાના મુસ્લિમો દ્વારા માનનીય ગુજરાત હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જે સમયે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી તે સમયે મામલો હાઈકોર્ટ સમક્ષ વિચારાધીન હતો. તેમ છતાં સંબંધિત હકીકતો અને રજૂઆતોને અવગણી કાર્યવાહી કરવામાં આવી હોવાનું નાય છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, નાના બનાવને અનાવશ્યક રીતે મોટું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. રાયધણપર ગામમાં યોજાયેલી કેટલિક સભાઓમાં ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે કચ્છ જિલ્લાના શાંતિપૂર્ણ અને ભાઈચારભર્યા વાતાવરણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આવા તત્વો સામે પણ યોગ્ય કાનૂની કાર્યવાહી થવી આવશ્યક છે.
વરનોરા ઉપરાંત કચ્છમાં અનેક મસ્જિદો-દરગાહોને નોટીસો પાઠવવામાં આવી છે અને રાત્રીના અંધારામાં અચાનક વહિવટી તંત્રની ટુકડી ત્રાટકે છે અને ધર્મસ્થાનો તોડી પાડવામાં આવે છે. આ એકતરફી અને મુસ્લિમ સમાજને નિશાન બનાવતી કામગીરીથી ત્રસ્ત કચ્છ મુસ્લિમ સમાજના લોકો બહોળી સંખ્યામાં કચ્છ કલેકટર કચેરીએ એકત્ર થયા હતા અને ચિમકી ઉચ્ચારી છે કે જો રાજકારણ ઙ્કેરિત મુસ્લિમો વિરુધ્ધની એકતરફી કાર્યવાહી રોકવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ જેલભરો આંદોલન કરશે. આ રજૂઆતમાં હિન્દુ ભાઈઓ પણ જોડાયા હતા.
માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસ અમદાવાદ થી ભુજ પધાર્યા હતા અને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સરકારી અધિકારીઓએ રાજકારણીઓના પ્રભાવમાં આવ્યા વગર બંધારણ મુજબ પોતાની ફરજ બજાવવી જોઈએ, જો અધિકારીઓ અપાયેલ સત્તાની ઉપરવટ જઈ કામગીરી કરશે તો તેમની સામે હાઈકોર્ટ સુપ્રીમકોર્ટ સુધી ન્યાયીક લડક આપવામાં આવશે.
આ પ્રસંગે હાજીસલીમ જત, અબ્દુલવહાબ ભચુ, હાજીઆદમ ચાકી, મુજાહિદ નફિસ, કમલેશ ધવલ, હાજીજુમા રાયમા, હાજીઈબ્રાહીમ હાલેપોત્રા, શકીલ સમા, મોહસિન હિંગોરજા, ઈકબાલ જત, મોહમદ લાખા, ઈકબાલ મંધરા, સાલેમામદ પડેયાર, અબ્દુલ રાયમા, આદમ પડેયાર, અલીમોહંમદ હિંગોરજા, જુસબ બાફણ, જુમા નોડે, લક્ષ્મણ વાઘેલા, અનામિ સરણ, માવજીભાઈ, અશરફ બાવા, રિયાઝ ચાકી, રઝાક ચાકી, નૂરમામદ મંધરા, રમઝાન સુમરા, મામદરહીમ જત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
