News of Tuesday, 22nd September 2026
આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા ઇન્ટરનેશનલ કો.ઓપરેટીવ એલાયન્સના ગ્લોબલ બોર્ડ ઓફ ડીરેકટર્સમાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની વરણી
વિદેશની ધરતી પર સૌએ "ભારત માતા કી જય...,વંદે માતરમ...ના નારાઓથી સભાખંડને ગુંજાવી દીધો : ભારતના સહકારી આંદોલનની ભાવના, અનુભવ,દ્રષ્ટીકોણને વૈશ્વિક મંચ પર અસરકારક રીતે રજુ કરવા-સમગ્ર વિશ્વમાં સહકારિતાને વધુ મજબુત બનાવવા પ્રતિબદ્ધ : દિલીપભાઈ સંઘાણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ : ભારતની અગ્રગણ્ય સહકારી સંસ્થા ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સહકારી સંસ્થા આઈ.સી.એ(ઇન્ટરનેશનલ કો.ઓપરેટીવ એલાયન્સ)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડીરેક્ટર ડીરેકટર્સમાં પસંદગી કરવામાં આવી છે.
પનામા સીટી ખાતે યોજાયેલ મહાસભામાં થયેલી ચૂંટણીમાં દિલીપભાઈ સંઘાણી વિજેતા જાહેર થતા બેઠકમાં હાજર ભારતીય સહકારી પ્રતિનિધિ મંડળના સભ્યોમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી હતી અને તમામ સભ્યોએ ઉત્સાહભેર વિદેશની ધરતી પર "ભારત માતા કી જય... અને વંદે માતરમ...ના નારાઓથી સભા ખંડને ગુંજાવી દીધો હતો.દિલીપભાઈ સંઘાણીની વરણીએ ભારતના સહકારી ક્ષેત્ર સાથે ઇફકોની એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે વૈશ્વિક સહકારી મંચ પર ભારતની વધી રહેલી પ્રતિષ્ઠા અને પ્રભાવને અભિવ્યક્ત કર્યા હતા,
અત્રે ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ સંઘાણી અનેક દાયકાઓથી સહકારી ક્ષેત્રથી જોડાયેલા છે, ગ્રામ્ય અર્થ વ્યવસ્થા,ખેડૂતો અને સહકારી સંસ્થાઓના સશક્તિકરણ માટે સતત કાર્યશીલ છે. વર્તમાને તેઓ ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે, ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી રહ્યા છે.
આઈ.સી.એ વિશ્વનું સહકારી ક્ષેત્રનું અગ્રણી સંગઠન છે જે અનેક દેશો અને પ્રદેશોની સહકારી સંસ્થાઓનું પ્રતિનીધીત્વ કરે છે આ સંસ્થામાં ભારતના પ્રતિનિધિ તરીકે દિલીપભાઈ સંઘાણીની જિત એ ભારતીય સહકારી આંદોલનના અવાજને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ મજબુત બનાવવાની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના વિઝનને વૈશ્વિક સ્વીકૃતિ પ્રદાન કરે છે, ભારત દેશ સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતો, ગ્રામ્ય સમુદાયો અને સામાન્ય નાગરિકોના આર્થિક તથા સામાજિક સશક્તિકરણની દિશામાં દ્રઢતાથી કાર્ય કરી રહ્યું છે.
દિલીપભાઈ સંઘાણીએ પોતાની જિત બદલ આઈસીએના તમામ સભ્ય દેશો, પ્રતિનિધિઓ અને વૈશ્વિક સહકારી સમુદાયનો આભાર વ્યક્ત કરતા ભારતના સહકારી આંદોલનની ભાવના, અનુભવ અને દ્રષ્ટીકોણને વૈશ્વિક મંચ પર અસરકારક રીતે રજુ કરવા તેમજ સમગ્ર વિશ્વમાં સહકારિતાને વધુ મજબુત બનાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
