<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

લાલપુર ખાતે 23-24 મેએ કડવા પાટીદાર સમાજના વિનાયક ધામનું લોકાર્પણ, સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા અને સિદસર ઉમિયા ધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી રહેશે ઉપસ્થિત

સમૂહ ભોજન, સામાજિક સંમેલન અને મોટીવેટર અંકિતાબેન મુલાણીનો કાર્યક્રમ યોજાશે, પુરુષોત્તમ માસ નિમિત્તે બહેનો-દીકરીઓના પરિવારોને પણ આમંત્રણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : જામનગર જિલ્લાના લાલપુર ખાતે આગામી તા. 23-24 મે ના રોજ સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા તથા ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની ઉપસ્થિતિમાં કડવા પાટીદાર સમાજના નવનિર્મિત વિનાયક ધામનું લોકાર્પણ તથા સામાજિક સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં લાલપુર તથા લાલપુરના મૂળ વતનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

 

પુરુષોત્તમ માસ નિમિત્તે સમાજની બહેનો-દીકરીઓના પરિવારોને પણ ખાસ આમંત્રિત કરવામાં આવેલ છે. બે દિવસ દરમિયાન સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા. 23 મેની સાંજે મોટીવેટર અંકિતાબેન મુલાણીનો મોટીવેશનલ કાર્યક્રમ યોજાશે, જ્યારે તા. 24 મેના રોજ સામાજિક સંમેલન યોજાશે.

 

આ બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા લાલપુર કડવા પટેલ સમાજના પ્રમુખ ચીમનભાઈ ઘેટીયા, સમાજના ટ્રસ્ટીઓ અને વિવિધ સમિતિના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:38 PM IST)