News of Saturday, 18th July 2026
મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકમાં જનહિતના પ્રશ્નો-પ્રગતિ હેઠળના વિકાસ કામોની સમીક્ષા
વિવિધ સરકારી અને જનકલ્યાણના વિકાસલક્ષી કામો માટે જરૂરી જમીનની માપણી અને ફાળવણી માટે iORA પોર્ટલ પર મળેલી અરજીઓની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં સરકારી સેવાઓ વધુ સુદ્રઢ, ઝડપી અને લોકાભિમુખ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ વહીવટી પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે ‘ઈ-સરકાર’ના અસરકારક અમલીકરણની સમીક્ષા કરી હતી અને વિવિધ વિભાગોમાં પેન્ડિંગ રહેલી ફાઈલોનો ત્વરિત નિકાલ કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત, વિવિધ સરકારી અને જનકલ્યાણના વિકાસલક્ષી કામો માટે જરૂરી જમીનની માપણી અને ફાળવણી માટે iORA પોર્ટલ પર મળેલી અરજીઓની વર્તમાન સ્થિતિની સઘન સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સંકલન બેઠકમાં લોકસુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને લગતા અગત્યના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ, ગંદકીની સમસ્યાનું નિવારણ, રમત-ગમતનું નવું મેદાન બનાવવા તેમજ રેલવે ઓવરબ્રિજની મંજૂરી અંગે સકારાત્મક વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જ, ઔદ્યોગિક વિકાસ અર્થે મીઠા અને બ્રોમીનના ઉત્પાદન માટે જમીનની માંગણી અંગેની રજૂઆતોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મોરબી-હળવદ રોડ અને રવાપર-ઘુનડા-જડેશ્વર નવા રોડ પર થયેલા નુકસાન અને તે રસ્તાઓના રિપેરિંગ અંગે રજૂ થયેલા પ્રશ્નોની નોંધ લઈ કલેક્ટરએ અગ્રતાના ધોરણે આ માર્ગોનું સમારકામ હાથ ધરવા સહિતની સૂચનાઓ સબંધિત વિભાગને આપી હતી.
આ સંકલન બેઠકની સાથે-સાથે જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને સુદ્રઢ બને તે માટે ‘જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ’ ની બેઠક પણ યોજાઈ હતી. જેમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા કાર્ડધારકોને અપાતા રાશન, વિતરણ વ્યવસ્થાની ગુણવત્તા તથા પીએમ પોષણ યોજનાની કામગીરી સહિતની બાબતે હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકમાં યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળના કામો તથા અન્ય મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
