<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

અમરેલીના લીલીયામાં જગદીશભાઈ વિશ્વકર્માની લલકાર : ‘તમારા એક વોટની તાકાતે સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોંચાડ્યા અને આતંકવાદને પછાડ્યો

કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા ઉમેદવારો નથી અને જે છે તે મેદાન છોડી ભાગી રહ્યા છે : નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલે જાતિવાદ-જ્ઞાતિવાદને તિલાંજલિ આપી વિકાસની રાજનીતિ સ્થાપિત કરી હોવાનો પ્રદેશ ભાજપ અધ્યક્ષનો દાવો

અમરેલી
અમરેલી જિલ્લાના લીલીયા ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં જાતિવાદ અને જ્ઞાતિવાદના રાજકારણને ખતમ કરી માત્ર વિકાસને જ પ્રાથમિકતા આપી છે. આ સભામાં લીલીયા તાલુકા કોંગ્રેસના આગેવાન જીવરાજભાઈએ પોતાના સેંકડો સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત કેસરિયો ધારણ કર્યો હતો.

**મતના મૂલ્ય અને વિકાસની ગાથા:**
જગદીશભાઈ વિશ્વકર્માએ જનતાને સંબોધતા મતના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, જનતાનો એક વોટ આતંકવાદ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરાવી શકે છે અને એ જ એક વોટ સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારી સૌરાષ્ટ્રના ખૂણેખૂણે નર્મદાના નીર પહોંચાડી શકે છે. ‘સૌની યોજના’ અને ‘નળ સે જળ’ જેવી યોજનાઓ થકી મહિલાઓને માથે બેડા ઉંચકવામાંથી મુક્તિ મળી છે. તેમણે ભૂતકાળને યાદ અપાવતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ટ્રેનો દ્વારા પાણી લાવવું પડતું હતું, જ્યારે આજે ખેડૂતો એકથી વધુ પાક લઈ સમૃદ્ધ બન્યા છે.

**કોંગ્રેસની કથળતી સ્થિતિ પર કટાક્ષ:**
ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસની સ્થિતિ પર કટાક્ષ કરતા અધ્યક્ષે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ભાજપના હજારો ઉમેદવારો મજબૂતીથી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો પણ નથી. જે ઉમેદવારો છે તેઓ પણ ફોર્મ પાછા ખેંચી રહ્યા છે અથવા તો પક્ષે તેમને અન્ય સ્થળે સંતાડી રાખવા પડે તેવી નોબત આવી છે. કોંગ્રેસે દાયકાઓ સુધી માત્ર ભ્રષ્ટાચાર અને જનતાને ભ્રમિત કરવાનું કામ કર્યું હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.

**ખેડૂત હિત અને લોકકલ્યાણકારી યોજનાઓ:**
સરકારની કામગીરી ગણાવતા તેમણે કહ્યું કે, અતિવૃષ્ટિમાં ખેડૂતોને ૧૦ હજાર કરોડનું પેકેજ અને ૧૫ હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી કરી રાજ્ય સરકારે ધરતીપુત્રોને ટેકો આપ્યો છે. ૧૧ લાખથી વધુ સોલર પેનલ થકી લોકોને વીજ બિલમાંથી મુક્તિ મળી છે અને કિસાન સન્માન નિધિ દ્વારા વાર્ષિક ૬ હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જઈ રહ્યા છે. ઉજ્જવલા યોજના અને શૌચાલય નિર્માણ જેવા કાર્યોએ ગરીબ પરિવારોનું જીવન ધોરણ સુધાર્યું છે.

આ સભામાં મંત્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, પ્રભારી અભયભાઈ ચૌહાણ, સાંસદ ભરતભાઈ સુતરિયા સહિતના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશભાઈ વિશ્વકર્માએ વિકાસના નામે મહત્તમ મતદાન કરવા અપીલ કરી ભાજપના ભવ્ય વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

(3:17 PM IST)