તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
જુનાગઢ જેલમાં કાચા કામના કેદીની મુલાકાતે આવેલા ૩ શખ્સોની જેલ સ્ટાફ સાથે માથાકૂટ
કર્મચારીઓને ફસાવવા કાચા કામના કેદીને ઉશ્કેરી ધમકી આપી, ૪ સામે કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃતા. ૧૮,જુનાગઢ જેલમાં ગઈકાલે કાચા કામના કેદીની મુલાકાતે આવેલા ૩ શખ્સોએ જેલના સ્ટાફ સાથે માથાકૂટ કરી અને જેલ કર્મચારીઓને ફસાવવા કાચા કામના કેદીને ઉશ્કેરી ધમકી આપી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, ગઈકાલે સાંજે ૫:૪૫ વાગ્યે જુનાગઢ જિલ્લા જેલ ખાતે કાચા કામના આરોપી એશાન બાબુ મડમની મુલાકાતે સંધાર ઉવેશ શરીફભાઈ (રહે. અગતરાઈ), અલ્વી સોહિલ ખાલીકહુસેન (રહે. લાખાપીરની દરગાહ પાસે, જુનાગઢ) તથા ઓસમાન રફીકભાઈ સમા (રહે. જુનાગઢ) આવ્યા હતા. ત્યારે આ શખ્સો અને કાચા કામના કેદી એશાન બાબુ મડમએ ઉશ્કેરણી કરી જેલની શાંતિ, શિસ્ત તથા સુરક્ષા વ્યવસ્થાને અસર થાય તેવું વર્તન કર્યું હતું. તેમજ જેલના ફરજ પરના અધિકારી તથા કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.
જેમાં સંધાર ઉવેશ અને અલ્વી સોહિલે કાચા કામના આરોપી એશાન બાબુ મડમને જેલના કર્મચારીઓને ફસાવવા ગળે ફાંસો ખાવા અથવા ફીનાઇલ પીવા ઉશ્કેર્યો હતો.
એટલું જ નહીં જેલ કર્મચારીઓને જાનથી મારી નાખવાની, બહાર જોઈ લેવાની અને ખોટી ફરિયાદોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ઉશ્કેરણીજનક વાતચીત કરી ગાળાગાળી અને બૂમબરાડા પાડ્યા હતા. આથી જેલની શિસ્ત અને સલામતીના કારણોસર મુલાકાત અટકાવવામાં આવતાં બંને શખ્સે મુલાકાત રેકોર્ડ કરવાના હેતુથી કર્મચારી પાસેથી જમા રાખેલ મોબાઇલ ફોન બળજબરીથી મેળવવાનો પ્રયાસ કરી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. જેના પગલે મુલાકાત જેલર દ્વારા મુલાકાત પૂર્ણ કરી બહાર નીકળી જવાની સૂચના આપવા છતાં તેનું પાલન ન કરી બળજબરીપૂર્વક મુલાકાત ચાલુ રાખી હતી.
આ દરમિયાન સંધાર ઉવેશ શરીફભાઈએ જાહેરમાં ગાળો બોલી ‘‘મને મારો, મને મારો''તેવી બૂમો પાડી પોતાના જ મોઢા ઉપર મુક્કા મારી જેલ કર્મચારીઓ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાની ખોટી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આટલેથી અટકયા વગર ઓસમાન રફીકભાઈ સમાએ સંધાર ઉવેશ, અલ્વી સોહિલ અને ઓસમાન રફીકને જેલ કર્મચારીઓ વિરુદ્ધ ઉશ્કેરી, ફીનાઇલ પીવા, મીડિયા બોલાવવા તથા હોબાળો કરવા પ્રોત્સાહિત કર્યો હતો. આ બનાવથી જેલમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે જેલર નરેશભાઇ પી. સાંખટએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે કાચા કામના કેદી સહિત ચાર શખ્સો સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
