તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Monday, 20th April 2026
લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સક્રિય :નવીન કાર્યક્રમો યોજવા ભાર મૂકાયો
જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા

જામનગર:જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી.પંડ્યાએ સ્વીપ (SVEEP) એક્ટીવિટી અંતર્ગત મતદાન જાગૃતિ વધારવા માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પીજીવીસીએલ, શિક્ષણ વિભાગ, સહકારી મંડળીઓ, આરટીઓ, રમત ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓને મતદાન જાગૃતિ વધારવા માટે વિવિધ અભિયાનો હાથ ધરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચનો કર્યા હતા. બેઠકમાં ખાસ કરીને યુવાનો, નવા મતદારો તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન પ્રત્યે સક્રિયતા વધે તે માટે નવીન કાર્યક્રમો યોજવા ભાર મૂકાયો હતો.
શાળાઓ અને કોલેજોમાં મતદાન અંગે જાગૃતિ કાર્યક્રમો, રંગોળીઓ, નિબંધ સ્પર્ધા, ક્વિઝ તથા પ્રતિજ્ઞા કાર્યક્રમો યોજવા, પીજીવીસીએલ દ્વારા વીજબીલ સાથે મતદાન જાગૃતિ સંદેશ પ્રસારિત કરવા તેમજ દૂધ મંડળીઓને બીલો સાથે મતદાન જાગૃતિ ફેલાવવા, એલઈડી સ્ક્રીન પર મતદાન જાગૃતિના સ્લોગન લગાવવા, પોસ્ટર અને પેમ્પલેટના માધ્યમથી મતદાન જાગૃતિના સંદેશાઓ ફેલાવવા, જિંગલ્સ વગેરે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ વિવિધ રમતો સાથે સંકળાયેલ ખેલાડીઓને અને યુવાઓ મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી થઇ મતદાન અંગેના શપથ લે તે પ્રકારે કામગીરી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ લગત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે “મતદાન લોકશાહીનો પાયો છે, તેથી દરેક પાત્ર મતદારે અવશ્ય મતદાન કરવું જોઈએ.” તેમણે તમામ વિભાગોને સંકલિત પ્રયાસોથી જિલ્લામાં મતદાન ટકાવારી વધે તે માટે પ્રતિબદ્ધ રહેવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં અધિકારીઓએ પોતાના વિભાગો દ્વારા હાથ ધરાનાર જાગૃતિ કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી.
બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એસ.એમ.કાથડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા કોટક, વિવિધ વિભાગના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
