News of Thursday, 25th June 2026
જામનગર જિલ્લા સહકારી બેંકનો ખેડૂત હિતલક્ષી ઐતિહાસિક નિર્ણયઃ અકસ્માત વીમા કવર ૫ લાખથી વધારી ૧૦ લાખ કરાયું
બેંક સાથે સંકળાયેલા ખેડૂતો અને તેમના પરિવારને હવે બમણી આર્થિક સુરક્ષા મળશેઃ ચેરમેન જીતેન્દ્રકુમાર લાલની આગેવાનીમાં બોર્ડનો લોક કલ્યાણકારી નિર્ણય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૫: ખેડૂતોના હિતને સર્વોપરી રાખી જામનગર જિલ્લા સહકારી બેંક લિ. દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક સાથે સંકળાયેલા ખેડૂતોને અગાઉ અપાતા અકસ્માત વીમા સુરક્ષા કવરમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ બેંક સાથે સંકળાયેલા ખેડૂતોને અકસ્માત વીમા હેઠળ ૫.૦૦ લાખ રૂપિયાનું કવર આપવામાં આવતું હતું. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની તાજેતરની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર હવે આ રકમમાં વધુ ૫.૦૦ લાખ રૂપિયાનો વધારો કરી કુલ કવર ૧૦.૦૦ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. એટલે કે હવે ખેડૂતોને બમણી આર્થિક સુરક્ષા મળશે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતો અને તેમના પરિવારને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સમયે પરિવારને આર્થિક સંકટનો સામનો ન કરવો પડે તે માટે આ પગલું લેવાયું છે.
બેંકના ચેરમેન જીતેન્દ્રકુમાર એચ. લાલ તથા સર્વે બોર્ડ ઓફ ડિરેક્ટર્સશ્રીઓના સહકાર અને સહમતીથી લેવાયેલો આ લોક કલ્યાણકારી નિર્ણય ખેડૂતોના વર્તમાન જીવનની સાથે તેમની આગામી પેઢીના ભવિષ્યને પણ વધુ સુરક્ષિત અને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
જામનગર જિલ્લા સહકારી બેંક સતત ખેડૂતોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે. ભવિષ્યમાં પણ ખેડૂતોને વધુ લાભદાયી યોજનાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા ચેરમેનશ્રી અને બોર્ડ સતત પ્રયત્નશીલ છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
