News of Wednesday, 13th May 2026
જામનગર-જોડિયા ભાદરા રોડ પર અકસ્માત: ડ્રાઇવર્ઝનને બદલે કાર પુલના સળિયા પર ચડી ગઈ...
પુલના મંદ ગતિએ ચાલતા કામથી અકસ્માતની ભીતિ વધી, અનેક પુલોનું કામ અધૂરું; તંત્રની બેદરકારી સામે સવાલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૩ : જામનગરના જોડિયા ભાદરા રોડ પર પુલના ચાલુ કામમાં ડ્રાઇવર્ઝનને બદલે એક કાર પુલના સળિયા પર ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જોડિયા ભાદરા રોડ પર અનેક પુલના કામો ચાલુ છે. આ કામો અત્યંત મંદ ગતિએ ચાલી રહ્યા હોવાથી તેમજ યોગ્ય ડ્રાઇવર્ઝન, સાઇનબોર્ડ કે બેરીકેટિંગના અભાવે વાહનચાલકો માટે જોખમ વધ્યું છે. રાત્રિના સમયે કે અજાણ્યા વાહનચાલકોને ડ્રાઇવર્ઝન દેખાતું ન હોવાથી અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પુલના કામો સમયસર પૂર્ણ ન થતા અને સલામતીના પૂરતા પગલાં ન લેવાતા રોજબરોજ અકસ્માતનો ભય રહે છે. ચોમાસા પહેલા જો કામ પૂર્ણ નહીં થાય તો સ્થિતિ વધુ વિકટ બની શકે છે.
વાહનચાલકોએ તંત્ર પાસે માંગ કરી છે કે ચાલુ કામવાળા તમામ પુલો પર તાત્કાલિક યોગ્ય ડ્રાઇવર્ઝન, રિફ્લેક્ટર, સાઇનબોર્ડ અને બેરીકેટિંગ મૂકવામાં આવે તેમજ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
