તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Monday, 20th April 2026
જામનગર-કાલાવડ હાઈવે પર કાળમુખી કારનો કહેર : શેરડીનો રસ પીતા લોકોને અડફેટે લેતા ૨ના કમકમાટીભર્યા મોત
નવા માર્કેટિંગ યાર્ડ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જી માનવ જિંદગીઓ હોમી : ૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા : અકસ્માત સર્જી કાર ચાલક ફરાર

(સંજય ડાંગર દ્વારા, ધ્રોલ):જામનગર-કાલાવડ હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. કાલાવડ હાઈવે પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડ પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગની સાઈડમાં ઉભેલા લોકો પર કાર ચડાવી દીધી હતી. આ કરુણ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
રસ પીવા ઉભા રહેલા લોકો પર કાર ફરી વળી:
મળતી માહિતી મુજબ, નવા માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા શેરડીના રસના ચીચોડા પાસે કેટલાક લોકો ઉભા રહીને રસ પી રહ્યા હતા. આ દરમિયાન પુરઝડપે અને બેફામ રીતે આવી રહેલી કારના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી આ નિર્દોષ લોકોને હડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ બે વ્યક્તિઓના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઇજાગ્રસ્તો સારવાર હેઠળ, કારચાલકની શોધખોળ:
આ ગોઝારા અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક માનવતા નેવે મૂકીને વાહન મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી:
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા કારચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે. હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતે પૂરપાટ ઝડપે વાહન ચલાવતા ચાલકો સામે ફરી એકવાર લાલબત્તી ધરી છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
