News of Tuesday, 28th April 2026
જામનગર મહાપાલિકાના વોર્ડ નં. ૧૨માં ભાજપનો સફાયો : ‘આપ’ અને કોંગ્રેસે બબ્બે બેઠકો પર જીત મેળવી ખાતું ખોલ્યું
જેલવાસ ભોગવી રહેલા અસલમ ખીલજી અને અલ્તાફ ખફીનો ભવ્ય વિજય : મતદારોએ પરિવર્તનનો મિજાજ બતાવતા ભાજપની પેનલ પરાસ્ત

જામનગર: જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોમાં જ્યાં મોટાભાગના વિસ્તારોમાં ભાજપનો દબદબો રહ્યો છે, ત્યાં વોર્ડ નંબર ૧૨ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ વોર્ડમાં સત્તાધારી ભાજપનું ખાતું પણ ખૂલી શક્યું નથી. મતદારોએ આ વખતે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, જેના પરિણામે બંને પક્ષોએ બબ્બે બેઠકો કબજે કરીને વોર્ડમાં સમતોલ રાજકીય સ્થિતિ સર્જી છે.
જેલમાંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારો બન્યા વિજેતા:
વોર્ડ નંબર ૧૨ના પરિણામોમાં સૌથી વધુ ચર્ચા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અસલમ ખીલજીની થઈ રહી છે. અસલમ ખીલજી, જે અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, તેમણે આ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો છે. તેમની સાથે ‘આપ’ના જ એડવોકેટ જૈનબબેન ખફીએ પણ જીત હાંસલ કરી છે. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી, જેઓ ગુજસીટોક (GUJSITOC) જેવા ગંભીર કેસમાં આરોપી છે અને જેલમાંથી જ ચૂંટણી લડી રહ્યા હતા, તેઓ પણ વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસની બીજી બેઠક પર સહારાબેન મકવાણાએ જીત મેળવી પક્ષનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે.
ભાજપ માટે આંચકાજનક પરિણામ:
આખા શહેરમાં ભાજપની લહેર હોવા છતાં વોર્ડ નંબર ૧૨માં ભાજપની આખી પેનલનો પરાજય થયો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ વિસ્તારમાં લઘુમતી મતોના ધ્રુવીકરણ અને સ્થાનિક સમીકરણોને કારણે ભાજપને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે થયેલા મતોના વિભાજન છતાં ભાજપને કોઈ સફળતા મળી નથી. વોર્ડ નંબર ૧૨ની આ જીત ‘આપ’ અને કોંગ્રેસ માટે મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, જે આગામી સમયમાં શહેરના રાજકારણમાં નવા સંકેતો આપી રહી છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
