<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

જામનગર પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ખોડિયાર પ્લાસ્ટિક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો : નિર્મળસિંહ જાડેજા, ચેતનભાઈ ઘાઘરેટીયા અને હરદેવસિંહ ઝાલા સહિતની ટીમે ધીરુ સોલંકી, આઈદાન વાઘેલા, પ્રેમજી વાઘેલા તથા પ્રવીણ ઉર્ફે કરીમ વાઘેલાને ૩.૦૭ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય અને પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પીયુષ વાંદા તથા એમ.એન. શેખની ટીમે સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે ગુલાબનગરના ચાર તસ્કરોને રિક્ષા તથા ત્રણ મોટરસાયકલ સાથે ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો

જામનગર:જામનગરના માનસી હોટલ પાછળ આવેલ ખોડિયાર પ્લાસ્ટિક નામના કારખાનામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કુલ ૪ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના માલસામાન સહિત કુલ ₹૩,૦૭,૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

ઘટનાની વિગત અને તપાસ:

રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાય તથા જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીએ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના મુજબ, નાયબ પોલીસ અધીક્ષક પીયુષ વાંદા (જામનગર ગ્રામ્ય વિભાગ) તથા પંચકોષી ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસ તેજ કરી હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્કોડના એએસઆઈ નિર્મળસિંહ બી. જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ આર. ઘાઘરેટીયા, પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ એમ. ઝાલા તથા કમલેશભાઈ એ. ખીમાણીયાને સંયુક્ત બાતમી મળી હતી કે ધુવાવ ગામ પાસે નદીના કાંઠે બાવળની કાંટમાં કેટલાક ઇસમો રિક્ષામાં ભંગાર રાખી તેની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે રેડ કરતા ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

ઝડપાયેલા આરોપીઓના નામ:

૧. ધીરુ બાઘુભાઈ સોલંકી

૨. આઈદાન બચુભાઈ વાઘેલા

૩. પ્રેમજી રાયધણભાઈ વાઘેલા

૪. પ્રવીણ ઉર્ફે કરીમ ગોવિંદભાઈ વાઘેલા

(તમામ રહે. ગુલાબનગર ઓવરબ્રિજ નીચે, પાણીના ટાંકા પાસે, રેલવે પાટાની બાજુમાં, જામનગર)

 

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબની મતા જપ્ત કરી છે:

  પીતળનો ભંગાર: ૬૦ કિલો (કિંમત આશરે ₹૫૦,૦૦૦/-)

  કોપરનો ભંગાર: ૨૦ કિલો (કિંમત આશરે ₹૧૪,૦૦૦/-)

  ઇલેક્ટ્રોનિક્સ: કોમ્પ્યુટર સીપીયુ અને તૂટેલ પ્રિન્ટર (કિંમત આશરે ₹૨૦,૦૦૦/-)

  અન્ય સામાન: કિંમત ₹૩,૩૦૦/-

  વાહનો: એક સીએનજી રિક્ષા (GJ 1 CY 6229) તથા ત્રણ મોટરસાયકલ (યમહા ફેઝર, હીરો સ્પ્લેન્ડર-૨) જેની કુલ કિંમત ₹૨,૨૦,૦૦૦/-

આમ, કુલ ₹૩,૦૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ચોરીનો ગુનો ઉકેલી નાખવામાં આવ્યો છે. આ કામગીરીમાં એમ.એન. શેખ, એ.આર. પરમાર, નિર્મળસિંહ બી. જાડેજા, ચેતનભાઈ આર. ઘાઘરેટીયા, કમલેશભાઈ એ. ખીમાણીયા, હરદેવસિંહ એમ. ઝાલા તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

(11:41 AM IST)