<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

જામનગર ટ્રાફિક પોલીસની ચાર માસમાં તીવ્ર કાર્યવાહી : ૯ હજારથી વધુ વાહનચાલકો પાસેથી ૪૭ લાખથી વધુ દંડ વસૂલાયો

ટ્રાફિક નિયમોના ભંગમાં નો-પાર્કિંગ અને હેલ્મેટ વગર વાહન ચલાવવાના કેસોમાં વધારો, શહેરમાં ટ્રાફિક સેન્સના અભાવની સ્થિતિ ઉજાગર

  જામનગર શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને નિયમોના સતત ભંગને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર માસ દરમિયાન કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી તા. ૩૦ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ટ્રાફિક શાખાએ વિવિધ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર કુલ ૯,૬૯૧ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને અંદાજે રૂા. ૪૭ લાખથી વધુનો દંડ વસૂલ કર્યો હોવાનું સત્તાવાર આંકડાઓમાં સામે આવ્યું છે.
ટ્રાફિક વિભાગના આંકડાઓ અનુસાર શહેરમાં સૌથી વધુ નો-પાર્કિંગના ૪,૪૪૫ કેસ નોંધાયા હતા. આ કેસોમાં અંદાજે રૂા. ૨૨ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેના પરથી જામનગર શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા ગંભીર બની હોવાની સ્થિતિ સામે આવી રહી છે.
હેલ્મેટ વગર વાહન ચલાવવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો હતો. ટ્રાફિક પોલીસે આવા નિયમભંગ બદલ કુલ રૂા. ૩૨ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. સાથે જ ચાલુ વાહન દરમિયાન મોબાઈલ ફોન પર વાત કરતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૧૯૪ જેટલા કેસ નોંધાયા હતા અને લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ લગાવનાર વાહનચાલકો સામે ૭૫૮ કેસ નોંધાયા હતા, જ્યારે કાળા કાચ અને ડાર્ક ફિલ્મ લગાવનાર ૨૫૫ વાહનચાલકો સામે કાર્યવાહી કરીને રૂા. ૧ લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન હંકારવાના ૩૪૪ કેસ નોંધાયા હતા તેમજ વીમા વગર વાહન ચલાવવાના ૧૦૧ કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રાફિક વિભાગ માટે ચિંતાજનક બાબત એ પણ રહી કે સગીર વયના વાહનચાલકોના ૨૫ કેસ નોંધાયા હતા. ટ્રાફિક વિભાગે માતા-પિતાને સગીર બાળકોને વાહન ન આપવા અપીલ કરી છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત વાહન વ્યવહાર જાળવવા અનુરોધ કર્યો છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ નિયમભંગ કરનારાઓ સામે આ પ્રકારની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે અને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા સતત કામગીરી હાથ ધરાશે

(1:12 AM IST)