<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

જામનગરઃ કોર્પોરેશનમાં અમલ કયારે?

વડાપ્રધાને સરકારી વાહનો ઓછા વાપરવા સૂચના આપી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૫: રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીએ ખુદ વડાપ્રધાનની અપીલ બાદ પોતાની સુરક્ષા વ્‍યવસ્‍થામાં ઘટાડો કર્યો છે. એટલું જ નહીં, ગઈકાલે રાજુલાના એક કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી માત્ર પાંચ વાહનોના કાફલા સાથે પહોંચ્‍યા હતા. બીજી તરફ જામનગર મહાનગર પાલિકામાં કેટલાક સરકારી વાહનોના દુરુપયોગ અંગે ફરીયાદો ઉઠી રહી છે. ત્‍યારે કોર્પોરેશનમાં પણ વાહનોના ઉપયોગમાં ઘટાડો કરવાની જરૂરિયાત સામે આવી છે.

ભૂતકાળમાં જામનગર મહાનગર પાલિકાના કેટલાક પદાધિકારીઓ પોતાના વ્‍યક્‍તિગત કામો માટે તેમજ જામનગરની બહાર પણ કોર્પોરેશનના વાહનોનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપો થયા હતા. હાલ પણ કેટલાક અધિકારીઓ દ્વારા સરકારી વાહનોનો બેફામ ઉપયોગ થતો હોવાની ચર્ચા ચાલી રહી છે. પરિણામે ઇંધણ ખર્ચ અને જાળવણી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે.

વડાપ્રધાન દ્વારા ઇંધણ બચત અને ખર્ચ ઘટાડવા માટે વાહનોના ઉપયોગમાં મર્યાદા રાખવાની અપીલ કરવામાં આવી છે. ત્‍યારબાદ રાજ્‍યપાલશ્રીએ પણ પોતાનો કાફલો ઘટાડ્‍યો હોવાની સાથે એસ.ટી. બસમાં મુસાફરી કરવાની તૈયારી દર્શાવી છે. મોરબીના ધારાસભ્‍ય અને રાજ્‍યમંત્રી કાંતિભાઈ અમળતિયાએ પણ સાદગી અપનાવી ખર્ચમાં ઘટાડાનો સંદેશ આપ્‍યો છે.

ત્‍યારે હવે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા પદાધિકારીઓએ પણ વીવીઆઈપી કલ્‍ચર છોડીને સામાન્‍ય નાગરિકોની જેમ કાર્યપદ્ધતિ અપનાવવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. ખાસ કરીને સરકારી વાહનોના ઉપયોગ પર નિયંત્રણ લાવી જરૂરી હોય ત્‍યારે જ તેનો ઉપયોગ થાય તે માટે મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવાની માંગણી થઈ રહી છે.

(1:14 PM IST)