News of Saturday, 31st October 2026
જામખંભાળિયામાં સફાઈકર્મીઓની હડતાલ : 10 કામદારો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
8 પડતર માંગણીઓને લઈને જામખંભાળિયામાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા: ઢોલ વગાડી પ્રમુખનો ઘેરાવ કરી 10 કામદારો આમરણાંત ઉપવાસ પર બેઠા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરમાં સફાઈ કામદારો દ્વારા પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને અત્યંત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સફાઈ કામદારોએ તંત્રને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવા માટે નગરપાલિકા કચેરી ખાતે ઢોલ વગાડીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને નગરપાલિકા પ્રમુખનો ઘેરાવ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે નગરપાલિકા પરિસરમાં ભારે ગરમાવો આવી ગયો હતો અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
સફાઈ કામદારો લાંબા સમયથી તેમની વિવિધ 8 જેટલી પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે નવી સફાઈ કામદારોની ભરતી કરવી, કામદારોના ખાતામાં સમયસર EPF ની રકમ જમા કરાવવી તેમજ અન્ય વ્યાજબી પ્રશ્નોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ન કરવામાં આવતા કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોતાની હક અને ન્યાયી માંગણીઓ માટે લડી રહેલા સફાઈ કામદારોનો રોષ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેના ભાગરૂપે ગઈકાલથી 10 જેટલા સફાઈ કામદારો આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. તંત્રની ઉદાસીનતા સામે સફાઈ કામદારોએ સવાલ ઉઠાવ્યો છે કે, તેમની આ પડતર માંગણીઓનો ક્યારે ઉકેલ આવશે? હાલ સમગ્ર મામલે તંત્ર દ્વારા કોઈ યોગ્ય સમાધાન લાવવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(12:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
