<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

જેતપર ખેડૂત આંદોલનને મોરબીથી પ્રચંડ સમર્થન : નાથાબાપા ભગત પ્રેરિત રામધુન અને ગોપી મંડળના ૨૭૫૦ સભ્યો કાલે જોડાશે

વાવડી ચોકડી પાસે જે. કે. બિલ્ડીંગ ખાતેથી કાલે બપોરે ૪:૦૦ વાગ્યે મંડળો જેતપર જવા રવાના થશે : વાહન વગરના સભ્યો માટે ટ્રાવેલ્સ બસની ખાસ સુવિધા કરાઈ : તમામ જ્ઞાતિના લોકોને એકત્રિત થવા અપીલ

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી : જેતપર ગામે વીજલાઇનના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે મોરબીથી બહુ મોટો ટેકો જાહેર કરવામાં આવ્યો છે. મોરબી અને આસપાસના વિવિધ વિસ્તારોમાં ચાલતી ધૂનના અંદાજે ૨૭૫૦ જેટલા સભ્યોનું વિશાળ મંડળ આ આંદોલનને પોતાનું સક્રિય સમર્થન આપવા માટે કાલે જેતપર ગામે જશે. નાથાબાપા ભગત પ્રેરિત રામધુન મંડળ અને ગોપી મંડળ દ્વારા સંયુક્ત રીતે આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને ખેડૂતોની પડખે ઊભા રહેવાનો નિર્ણય લેવાયો છે.

 વાવડી ચોકડી જે. કે. બિલ્ડીંગ ખાતેથી થશે પ્રસ્થાન:

ખેડૂત આંદોલનને નૈતિક અને સંગઠિત બળ પૂરું પાડવા માટે તમામ જ્ઞાતિના લોકોને એકત્રિત થવા માટે મંડળ દ્વારા ખાસ હાંકલ કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત આવતીકાલે તારીખ ૦૪-૦૭-૨૦૨૬ ને શનિવારના રોજ બપોરે ૪:૦૦ કલાકે રામધુન મંડળ અને ગોપી મંડળની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો વાવડી ચોકડી પાસે આવેલા જે. કે. બિલ્ડીંગ (રામધુન સ્થળ) ખાતે એકઠા થશે અને ત્યાંથી એકસાથે જેતપર જવા માટે રવાના થશે.

 વાહનોની વ્યવસ્થા અને જોડાવા આમંત્રણ:

મંડળના અગ્રણીઓ દ્વારા આ આંદોલનાત્મક પ્રવાસમાં જોડાવા ઈચ્છતા તમામ લોકોને પોતપોતાના ખાનગી વાહનો લઈને નિયત કરેલા ધૂન સ્થળ પર સમયસર પહોંચવા માટે જણાવાયું છે. આ સાથે જ, જે સભ્યો કે નાગરિકો પાસે પોતાના વાહનની વ્યવસ્થા નથી, તેવા લોકો પણ આ સેવામાં જોડાઈ શકે તે માટે મંડળ દ્વારા ટ્રાવેલ્સ બસની ખાસ અને નિઃશુલ્ક સુવિધા કરવામાં આવી છે.

રામધુન મંડળ, ગોપી મંડળ તેમજ સેવા આપતા તમામ સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા સર્વે ધર્મપ્રેમી અને ખેડૂત હિતચિંતક લોકોને ધરતીપુત્રોના આ ન્યાયિક સમર્થનમાં મોટી સંખ્યામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબીથી આટલી મોટી સંખ્યામાં જનમેદની જેતપર પહોંચવાના એંધાણને પગલે આંદોલન વધુ વેગવંતું બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

(10:15 PM IST)