News of Friday, 29th May 2026
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહીઃ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો અશ્વિન રૂપારેલીયા ઝડપાયો
ક્રિકેટ મેચ પર હવાલા મારફતે હાર-જીતનો જુગારઃ રૂા. ૫૦,૦૦૦ના બે મોબાઇલ જપ્ત, વેરાવળ, ગોંડલ અને ઓખાના ત્રણ બુકી ફરાર જાહેર

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢઃ તા.૨૮: જૂનાગઢ જિલ્લામાં પ્રોહીબીશન અને જુગારની બદીને નેસ્તનાબુદ કરવાના અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સફળ રેઇડ પાડી છે. વંથલી રોડ પર આવેલ જલારામ વાસણ ભંડાર નામની દુકાન પાસે જાહેરમાં ઓનલાઇન ક્રિકેટ આઈડી મારફતે સટ્ટો રમતા મુખ્ય બુકીને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળી હતી કે જલારામ સોસાયટી પાછળ, મધુવન-૨માં રહેતો અશ્વિન ગોરધનભાઈ રૂપારેલીયા (ઉ.વ. ૪૯)જલારામ વાસણ ભંડાર પાસે પોતાના મોબાઇલમાં ટી-૨૦ બ્લાસ્ટ-૨૦૨૬ની હેમ્પશાયર-એસેક્સની ટી-૨૦ ક્રિકેટ મેચ પર રન ફેરની હાર-જીતના સોદા કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી રેઇડ કરી હતી. આરોપી ક્રિમ કલરનું ડિઝાઇનવાળું ટી-શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેરી મોબાઇલમાં ઓનલાઈન ક્રિકેટ આઈ.ડી. ચલાવી હવાલા દ્વારા નાણાની આપ-લે કરી સટ્ટા બેટીંગનો જુગાર રમતો પકડાયો હતો. સ્થળ પરથી કિં.રૂ. ૫૦,૦૦૦/-ના બે મોબાઇલ ફોન કબ્જે કરાયા છે.
આરોપી અશ્વિન વિરુદ્ધ સી.ડીવી. પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૬૦૨૬૩/ ૨૦૨૬ જુગાર ધારા કલમ-૧૨:મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છેઃ મુકેશ ઉર્ફે મુનો બાઠી, રહે. વેરાવળ,ભાણાભાઈ લાખાણી, રહે. ગોંડલ,અમીતભાઈ, રહે. ઓખા.
આ સફળ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર કળણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ. ડી. પી. ભાટી, એ.એસ.આઈ. સામતભાઈ બારીયા તથા પો.કોન્સ.જાદવભાઈ સુવા, દેવેનભાઈ સિંધવ સહિતના સ્ટાફે કરી હતી.
પોલીસે નિવેદનમા જણાવ્યું છે કેઃહાલમાં ચાલુ રહેલ ક્રિકેટ મેચના સટ્ટાના કેસો શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પ્રયત્નશીલ છે. જૂનાગઢ જિલ્લામાં જુગારની બદી ડામવા ઉપરી અધિકારીઓની સૂચના મુજબ સઘન ચેકિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
