<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવા જન જાગૃતિ લોકદરબાર યોજાયો : 160 લોકો હાજર : નાગરિકોને અપીલ : વ્યાજના ચક્રમાં ફસાયા હોવ તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરો : ત્રણ લોકોએ નોંધાવી ફરિયાદ

જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં તથા શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ : ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચનાથી રાજ્યભરમાં ગેરકાયદેસર વ્યાજખોરીના દુષણને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક  રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ તા.10/10/2026 ના રોજ જૂનાગઢ શહેરમાં લોકદરબાર યોજાયો હતો.

પોલીસ અધિક્ષક  સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં તથા શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના અધ્યક્ષ સ્થાને, શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સામાજીક આગેવાનોની હાજરીમાં આંબેડકર ભવન ખાતે આ લોકદરબાર યોજાયો હતો.

લોકદરબારના મુખ્ય મુદ્દામા વ્યાજવટાઉ સંબંધિત સમસ્યાઓ અંગે નાગરિકોને સાંભળવા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું. વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા ભોગ બનનારને ચક્રમાંથી બહાર લાવવા કડક કાર્યવાહી.નાગરિકોને પોતાની રજૂઆતો રૂબરૂ રજૂ કરવા તક આપવામાં આવી હતી.ગેરકાયદેસર વ્યાજ વસૂલાત, ધાકધમકી કે હેરાનગતિ થતી હોય તો કાયદેસરની કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક કરવા સમજણ આપવામાં આવી.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે નિર્ભય બનીને આગળ આવે અને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવે.

આ લોકદરબાર દરમિયાન જૂનાગઢ શહેરના અલગ-અલગ વિસ્તારના આશરે 160 જેટલા લોકો હાજર રહ્યા હતા, જેમાંથી ત્રણેક નાગરિકો દ્વારા વ્યાજ વટાવ અંગે રજૂઆત કરવામાં આવેલ છે, જે અંગે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં જૂનાગઢ એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન અને ભવનાથ પોલીસ સ્ટેશનના PI, PSI અને સ્ટાફ હાજર રહ્યા હતા.(તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(10:40 PM IST)