જૂનાગઢ : 'લોકશાહીમાં સરપંચ પાયાની ઈંટ છે' કહીને કરશનદાસ બાપુ મેંદરડાના 42 ગામના સરપંચોના સમર્થનમાં મેદાને, ઉપવાસ આંદોલનને આપ્યો ટેકો
પ્રશ્નોના નિરાકરણ ન આવતા સરપંચોના ભૂખ હડતાળ આંદોલનને કરસનબાપુ ભડારકાએ આપ્યું સમર્થન, તંત્ર સામે એકતાનો સંદેશ આપી તાત્કાલિક ન્યાયની માંગ બુલંદ કરી

જૂનાગઢ તા.૨૦ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી પોતાના પડતર પ્રશ્નોને લઈને શરૂ કરવામાં આવેલા ભૂખ હડતાળ આંદોલનને આજે 20 મેના રોજ કરશનદાસ બાપુ ઉર્ફે કરસનબાપુ ભડારકાએ સ્થળ પર પહોંચીને જાહેર સમર્થન આપ્યું હતું.
મળતી વિગતો મુજબ, મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચો દ્વારા ગ્રામ્ય વિકાસના કામો, ગ્રાન્ટ અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા સરપંચોએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ આંદોલનને વેગ મળે તે માટે આજે કરશનદાસ બાપુ ભડારકા ઉપવાસ સ્થળે પહોંચ્યા હતા અને સરપંચોની વેદના સાંભળી હતી.
આ તકે કરશનદાસ બાપુએ જણાવ્યું હતું કે, "લોકશાહીમાં સરપંચ પાયાની ઈંટ છે. ગામડાના વિકાસનું પહેલું પગથિયું સરપંચ છે. જો સરપંચોને જ ન્યાય નહીં મળે તો ગ્રામ્ય વિકાસની કલ્પના અધૂરી રહેશે." તેમણે તંત્રને તાત્કાલિક સરપંચોના પ્રશ્નોનું નિરાકરણ લાવી ન્યાય આપવાની માંગ કરી હતી.
કરસનબાપુના સમર્થનથી આંદોલનકારી સરપંચોમાં નવો જોશ જોવા મળ્યો હતો. સરપંચોએ જણાવ્યું હતું કે ગ્રાન્ટ ફાળવણી, વિકાસ કામોની મંજૂરી અને વહીવટી પ્રક્રિયામાં થતા વિલંબના કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કરસનબાપુ ભડારકાએ સરપંચોની એકતા અને લોકશાહી ઢબે ચાલી રહેલા આંદોલનને બિરદાવ્યું હતું અને સરકાર સુધી આ વાત પહોંચાડવાની ખાતરી આપી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
