<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

સાસણ ગીર ખાતે જંગલ સફારી 3 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવે તેવી શકયતા

જો આ નિર્ણયને આખરી મંજૂરી મળે તો ચાલુ વર્ષે પ્રવાસીઓ માટે ગીર સફારી સામાન્ય સમય કરતાં લગભગ 12 દિવસ વહેલી શરૂ થશે.

સાસણ ગીર ખાતે જંગલ સફારી 3 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. જો આ નિર્ણયને આખરી મંજૂરી મળે તો ચાલુ વર્ષે પ્રવાસીઓ માટે ગીર સફારી સામાન્ય સમય કરતાં લગભગ 12 દિવસ વહેલી શરૂ થશે.

ચોમાસાની સિઝન દરમિયાન દર વર્ષે ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. સામાન્ય રીતે 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી ગીર અભયારણ્યમાં પ્રવાસીઓ માટે સફારી બંધ રહે છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે જંગલના રસ્તાઓની સ્થિતિ અને વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

 

આ વર્ષે ગીર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે જંગલના રસ્તાઓને પણ અગાઉના વર્ષોની સરખામણીએ ઓછું નુકસાન થયું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાસણ ગીર સફારી વહેલી શરૂ કરવાની વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

 

 

પ્રાથમિક માહિતી પ્રમાણે, સાસણ ગીર ખાતે 3 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે સફારી શરૂ કરવામાં આવી શકે છે. એટલે કે સામાન્ય રીતે 16 ઓક્ટોબર બાદ શરૂ થતી સફારી આ વખતે લગભગ 12 દિવસ પહેલાં શરૂ થવાની શક્યતા છે. જોકે, અંતિમ નિર્ણય સત્તાવાર મંજૂરી અને સંબંધિત વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

 

ગીર જંગલ એ એશિયાટિક સિંહોનું મહત્વનું કુદરતી નિવાસસ્થાન છે. જેના કારણે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ ગીરની મુલાકાત લે છે. સફારી વહેલી શરૂ થવાની માહિતી સામે આવતા સિંહ પ્રેમીઓમાં પણ ઉત્સુકતા વધી શકે છે.

હાલ 3 ઓક્ટોબરથી સફારી શરૂ કરવાની માહિતી પ્રાથમિક સ્તરે છે. સત્તાવાર જાહેરાત અને અંતિમ મંજૂરી બાદ જ પ્રવાસીઓ માટે સફારી શરૂ કરવાની તારીખ નિશ્ચિત થશે. તેથી ગીર સફારીની મુલાકાતનું આયોજન કરતા પ્રવાસીઓએ સત્તાવાર સૂચના બાદ જ બુકિંગ અને પ્રવાસનું આયોજન કરવું યોગ્ય રહેશે.

 

(1:22 PM IST)